સોનું કડાકા બાદ નવા તળિયા તરફ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 અૉગ.
વૈશ્વિક સોનામાં કડાકા સાથે અઢાર મહિનાની નીચી 1191 ડૉલરની સપાટી થઇ ગઇ છે. ડૉલરની તેજીને લીધે આવેલી મંદીમાં સોનાને 1200 ડૉલર વટાવવાના પ્રયત્ન સટ્ટોડિયાઓએ કર્યા હતા પણ ફાવ્યા ન હતા. આ લખાય છે ત્યારે ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1195 ડૉલર હતો. તૂર્કી ઉપર અમેરિકાના પ્રતિબંધોને લીધે ગઇકાલે લીરા ચલણના લીરાં ઊડી ગયા પછી થોડી રિકવરી હતી. જોકે, ડૉલરની તેજી અટકી ગઇ હતી. તૂર્કીના કારણને લીધે સોનું સલામત રોકાણ ફંડો અને રોકાણકારોને લાગતું  હતું પણ એવું બન્યું નથી. બુલિયન બજારે ડૉલરની તેજીને ધ્યાને લઇને સોનાને વેંચ્યું હતું. તેમ એબીએન એમરોના કૉમોડિટી વિશ્લેષક જ્યોર્જેટ બોઇલેએ કહ્યું હતું. સોનામાં વ્યાપક મંદી થઇ ગઇ છે ત્યારે તળિયું ક્યાં હશે તે કલ્પના બહારનો વિષય છે પણ હવે ડૉલર મૂલ્યમાં સોનું સસ્તું છે એટલે પ્રવર્તમાન સપાટીએ સોનું ટકવું મુશ્કેલ છે તેવું તેમણે ઉમેર્યું હતું.
ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં 8 ટકાની મંદી થઇ ગઇ છે. તેમ છતાં ઘટાડો ચાલુ રહેતા ફિઝિકલ ખરીદી કરનારા વેઇટ ઍન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. સોમવારે એસપીડીઆર ગોલ્ડ ફંડે અનામતોમાં 0.19 ટકાનો ઘટાડો કરતા 784.60 ટનની રહી હતી. એપ્રિલ પછી અનામતોમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. 
ટેક્નિકલ રીતે સોનાને 1180 ડૉલરની સપાટીએ ટેકો મળશે. છેલ્લે જાન્યુઆરી 2017માં ઉક્ત સ્તર જોવા મળ્યું હતું. એ તૂટે તો સોનામાં 1165 સુધીનો ઘટાડો શક્ય છે. 1210 વટાવી જાય તો સોનામાં સુધારો આવશે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.100ના ઘટાડામાં રૂા. 30,600 હતો. મુંબઈમાં રૂા. 100 ઘટીને રૂા. 29,705 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 15.01 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 400 ઘટીને રૂા. 38,200 રહી હતી. મુંબઈમાં રૂા. 295ના ઘટાડામાં રૂા. 37,530 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer