વિશ્વનાથન સમિતિની ભલામણો સ્વીકારાય તો શૅરબજારમાં ઇન્સાઇડર ટ્રાડિંગ નામશેષ થઈ જશે

સમીર ધોળકિયા  
ડિરેક્ટર, બેલેન્સ ઇક્વિટી બ્રાકિંગ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ  
મુંબઈ, તા. 14 ઑગ.
પૂર્વ કાયદાકીય સેક્રેટરી ટી કે વિશ્વનાથનની અધ્યક્ષતા હેઠળ સ્થપાયેલી ફેર માર્કેટ ઍક્સેસ કમિટીએ ઇન્સાઇડર ટ્રાડિંગના દૂષણને ડામવા અને  બજારના દરેક રોકાણકારને જે કે તે કંપની વિષે માહિતી એક સરખી રીતે મળે તે હેતુસર ઘણા સુધારા સૂચવ્યા છે. આમાંનો એક મુખ્ય સુધારો  શંકાસ્પદ વ્યક્તિ ના ટેલિફોન અને બીજા વીજાણુ ઉપકરણોને સેબી દ્વારા અંતરવાની પરવાનગી આપવાની ભલામણનો છે. તેઓનું માનવું છે કે આમ  કરવાથી પારદર્શકતા આવશે અને હાલ બજારમાં બે રોકટોક ચાલતું ઇન્સાઇડર ટ્રેડીંગનું દૂષણ અટકાવી શકાશે. જોકે, આવી સત્તા આપવાની બાબતમાં મતમતાંતર પ્રવર્તે છે અને આને બજારનો એક વર્ગ વ્યક્તિગત ગુપ્તતાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવે છે. આવા વર્ગનું માનવું છે કે હાલ પણ સેબી અત્યારની સત્તા હેઠળ કોઈ પણ શંકાસ્પદ ઘટના સાથે સંકળાયેલી વ્યક્તિ ની કોલ ડિટેઈલ માગાવી જ શકે છે. આ મુદ્દોઁ તો આગળ ચર્ચામાં ચાલતો રહેશે પણ કમિટીએ સૂચવેલા બીજા સુધારા શેર બજારમાં એક દુરગામી અસર દેશે તેમાં બે મત  નથી. કમિટીના ફોન અને અન્ય વીજાણુ ઉપકરણના ડેટા અંતરવાની ભલામણ પાછળ કેટલીક અગ્રણી કંપનીના પરિણામ કે કોઈ અગત્યની જાહેરાતની આગોતરી જાણકારી બજારના ચોક્કસ વર્ગને મળી હોવાની માન્યતા અને તેની પાછળ સેબીએ લીધેલા પગલાં જણાય છે. 
અત્યારે ઇન્સાઇડર ટ્રાડિંગમાં ફક્ત કંપની, તેના ડિરેક્ટર, તેમાં કામ કરતા કોઈ પણ કર્મચારી તેમજ કંપનીના ઓડિટરને ઇન્સાઇડર ટ્રાડિંગ નિવારણ ધારા હેઠળ જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ નવા સુચવાલેય સુધારા હેઠળ શેર દલાલ, તેના કર્મચારી વર્ગ અને ગ્રાહકને પણ આ ધારામાં આવરી લેવાની ભલામણ થઈ છે. આને કારણે જો કોઈ કંપનીના શૅરમાં ઇન્સાઇડર ટ્રાડિંગની સંભાવના દેખાય તો સેબી તેની આખી કડી મેળવી ઇન્સાઇડર ટ્રાડિંગમાં સંકળાયેલા દરેકને સાણસામાં લઇ શકશે. આમ ઉપરથી નીચે અને નીચેથી ઉપર એટલેકે કંપનીથી રોકાણકાર અને રોકાણકારથી કંપની એમ જે ધરી રચાયેલી હોય તો પણ તેનો પર્દાફાશ કરવો સહેલો થશે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્સાઇડર ટ્રાડિંગના કાયદા સમયાંતરે કડક થતા કંપનીના હોદ્દેદાર કે તેની સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ, કોઈ બીજાજ નામનો ઉપયોગ કરી બજારમાં શેરની લેવેચ કરી નફો કમાઈ લે છે તેવું નિયામક સચોટ રીતે સાબિત કરી શકતા નોહોતા.  હવે જો કમિટીની ભલામણને સ્વીકારવામાં આવે તો સેબી અંતિમ લાભાર્થી ગ્રાહક સુધી પહોંચી આવા સોદામાં ફાયદો મુખ્ય કોને થયો તે શોધી શકાશે અને દંડાત્મક પગલાં પણ ભરી શકાશે.
વિશ્વનાથન કમિટીએ એક ખાસ ભલામણના ભાગ રૂપે કૌભાંડનું બુગલ વગાડનાર એટલેકે કંપનીના કામકાજમાં કે તેની ગોપનીય માહિતી બહાર પાડનારની ખબર  નિયામકને આપનારને રક્ષણ આપવાની છે. કમિટીનું માનવું છે કે વ્હીસલબ્લોઅરને કાયદાકીય રક્ષણ મળતા તેઓ જો તેમની કંપનીમાં કોઈ પણ  સંવેદશીલ માહિતી બહાર જતી હોય તો ગભરાયા વગર નિયામક સમક્ષ આવીને જણાવી શકે. જો કાયદાકીય રક્ષણ મળતું ના હોય તો આવી માહિતી આપવા કોઈ આગળ આવે નહિ અને સેબીનું કામ થોડું મુશ્કેલ થઇ જાય. હવે એ જોવાનું છે કે વિશ્વનાથન કમિટીની ભલામણ સેબી દ્વારા કેટલા પ્રમાણમાં અને કેટલી જલદી જલદી અપનાવવામાં આવે છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer