કોસમોસ બૅન્કનું સર્વર હેક થયું

બે દિવસમાં રૂા. 94 કરોડની ઉચાપત
 
મુંબઈ, તા. 14 અૉગ.
પુણેની કોસમોસ બૅન્કના સર્વરનું હેકિંગ કરીને ગુનેગારોએ બે દિવસમાં રૂા. 94 કરોડ ઉપાડી લીધા છે. આ ઉચાપત બૅન્કના ડેબિટ કાર્ડની નકલ દ્વારા કરાઈ હતી. બૅન્કના ગ્રાહકોના વીસા અને રૂપે ડેબિટ કાર્ડ થકી તા. 11થી 13 અૉગસ્ટ દરમિયાન આ નાણાં ઉપાડી લેવામાં આવ્યાં હતાં.
કેનેડા, હોંગકૉંગ અને ભારતના 25 એટીએમમાંથી નાણાં ઉપાડવામાં આવ્યાં હતાં. તા. 11 અૉગસ્ટે કુલ 2849 કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા કૌભાંડીઓએ ભારતમાંથી રૂા. 2.5 કરોડની રકમ તફડાવી હતી. જ્યારે 12,000 ટ્રાન્ઝેક્શન થકી રૂા. 78 કરોડની ભારત બહાર ઉચાપત કરવામાં આવી છે.
પુણે પોલીસમાં કરાયેલી કોસમોસ બૅન્કની સીબીએસ (કોર બૅન્કિંગ સિસ્ટમ) સુરક્ષિત છે. પરંતુ કલોનિંગ વડે આ છેતરપિંડી આચરવામાં આવી છે.
બૅન્કે ચતુશ્રીંગી પોલીસ સ્ટેશનમાં બૅન્ક પર સાઇબર હુમલાની એફઆઈઆર કરી છે. આ સાઇબર હુમલા પછી બૅન્કે તમામ નાણાકીય વ્યવહારો કામચલાઉ  સ્થગિત કર્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે તા. 13 અૉગસ્ટે પુન: હેકર્સે હૉંગકૉંગ ખાતેથી ગુનાહિત રીતે રૂા. 13.92 કરોડ કાઢી લીધા હતા. પોલીસે આઈટી કાનૂનની કલમ 43,65,66 (સી) અને 66 (ડી) હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer