ટેમ્પોચાલકોની હડતાળથી કાપડનો વેપાર ખોરવાયો

ટેમ્પોચાલકોની હડતાળથી કાપડનો વેપાર ખોરવાયો
પાર્કિંગ મુદ્દે કાપડના વેપારીઓ અને ટેમ્પોચાલકો સામસામે

સુરત, તા. 14 અૉગ.
રાજ્યભરમાં `દબાણ હટાવો' અને `પાર્કિંગ ફ્રી કરાવો' ઝુંબેશ ચાલી રહી છે. શહેરની કાપડમાર્કેટોનાં વિસ્તારમાં વાહન ચાલકોને અડચણ થાય તે રીતે ટેમ્પો પાર્ક કરતાં ટેમ્પોચાલકો પર ટ્રાફિક પોલીસની તવાઈ આવતાં ટેમ્પો ચાલકો ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી કાપડમાર્કેટોમાં ટેમ્પો ચાલકોને ફ્રી પાર્કિંગ આપવામાં નહિ આવે ત્યાં સુધી ટેમ્પો ચાલકોએ ગ્રે કાપડની ડિલિવરી નહિ કરવાનો સંકલ્પ કર્યો છે. હડતાળથી સુરતનાં કાપડમાર્કેટમાં વેપારને મોટી અસર પહોંચી છે.
સોમવારથી હડતાળ પર ઉતરેલાં ટેમ્પોચાલક ઍસોસિયેશન સાથે હજુ સુધી કોઈ પ્રકારની બેઠક કાપડનાં વેપારીઆ દ્વારા કરવામાં આવી નથી. બીજી તરફ માર્કેટમાં પાર્કિંગ ફ્રી કરાવવા મામલે શહેર પોલીસ કમિશનરે કાપડ વેપારીઓનાં સંગઠન ફોસ્ટા (ફેડરેશન અૉફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન) સાથે બેઠક યોજી હતી, જેમાં ફોસ્ટાએ એક કલાક માટે ટેમ્પો ચાલકોને પાર્કિંગ ફ્રી આપવાની સહમતી દર્શાવી છે. ફોસ્ટાનાં પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, અમે એક કલાક માટે ફ્રી પાર્કિંગ આપ્યું છે. ટેમ્પો ચાલકોની માગ ગેરવાજબી છે. 
ટેમ્પો ચાલકોનાં ઍસોસિયેશન દ્વારા ગ્રે કાપડની ડિલિવરી નહિ કરવાનું નક્કી કરતાં કાપડનાં વેપાર ખોરવાયો છે. આજે પણ માર્કેટમાં કામકાજ અટકી પડયું હતું. ફીનિશ્ડ(તૈયાર) કાપડની ડિલિવરી કરતાં મોટા ટેમ્પોએ રાબેતા મુજબ કામ કર્યું હતું. ટેમ્પોચાલક ઍસોસિયેશનનાં પ્રમુખ સંજય પાટીલ કહે છે કે, વેપારીઓ અમને માર્કેટનાં પાર્કિંગ વિસ્તારમાં ફ્રી પાર્કિંગની સુવિધા આપે, જે માર્કેટો પાસે પાર્કિંગની જગ્યા નથી તેઓ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરે અને મનપા દ્વારા પીળા પટ્ટાની અંદર પાર્ક કરેલાં વાહનો સાથે દંડની કાર્યવાહી કરવામાં આવે છે તેને દૂર કરવામાં આવે તેવી ત્રણ માગ છે. 3500થી વધુ ગ્રેની ડિલિવરી કરતાં નાના ટેમ્પો હડતાળમાં જોડાયા છે.
પોલીસ દ્વારા કાપડ માર્કેટને સૂચના આપવામાં આવી છે પાર્કિંગની સુવિધા ધરાવતી તમામ માર્કેટોએ ફ્રી પાર્કિંગ આપવું. તેમ જ જે કોઈ માર્કેટોએ પાર્કિંગ માટે અલગથી જગ્યા લીધી હોય તો તેઓએ પે એન્ડ પાર્ક નિયમ હેઠળ તેનો ઉપયોગ કરી શકશે. કાપડનાં વેપારીઓને શહેર પોલીસ કમિશ્નરે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ પ્રકારનાં કાપડનું લોડિંગ-અનલોડિંગ(ચઢાવ-ઉતાર) રોડ પર કરવા દેવામાં આવશે નહિ. 
સુરતમાં 65 ટકા માર્કેટો પાસે પાર્કિંગની કોઈ સુવિધા ન હોવાથી વાહન ચાલકો માટે નાછૂટકે રોડ પર વાહન પાર્ક કરવાની સ્થિતિ ઉદ્ભવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer