સ્ટે. સ્ટીલ વાસણ-કટલરીના દિવાળીના નવા અૉર્ડરોમાં સાવધાની

સ્ટે. સ્ટીલ વાસણ-કટલરીના દિવાળીના નવા અૉર્ડરોમાં સાવધાની
વરસાદની અનિશ્ચિતતાથી નાણાં ફસાવાની બજારમાં ચિંતા
 
સૈફી રંગવાલા
મુંબઈ, તા. 14 અૉગ.
સ્ટેનલેસ સ્ટીલ વાસણ કટલરી બજારમાં આગામી દિવાળી અને લગ્નસરાની મોસમની તૈયારીરૂપે સ્ટોકિસ્ટો અને વેપારીઓએ નવા માલ સ્ટોક માટેના અૉર્ડર આપવા શરૂ કરી દીધા છે. દેશનાં અમુક રાજ્યોમાં અત્યાર સુધીમાં વરસાદની અછત અને ક્યાંક અતિવૃષ્ટિને લીધે સામાન્ય રીતે બજારોમાં થોડી ચિંતાની લાગણી પણ ઊભરી છે. પરંતુ છેલ્લાં બે-ત્રણ વર્ષથી માત્ર વરસાદની અથવા જીએસટી અસરની રાહ જોઈને લાગતી અૉર્ડરની બ્રેક ચાલુ વર્ષે ઓછી લાગી હોવાનું બજારના અગ્રણીએ જણાવ્યું છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલ વાસણ કટલરીના મૂળ કાચા માલ સમાન સીઆર શીટસમાંથી તૈયાર થતા સ્ટેનલેસ પાટા-પટ્ટીના ભાવ અત્યારે થોડા સમયથી સ્થિર ચાલી રહ્યા છે. આ એક બાબત વેપારી-સ્ટોકિસ્ટો માટે સકારાત્મક હોવાનું જણાવ્યું છે.
આમ છતાં ગુજરાતમાં વરસાદની 45 ટકા ઘટ, મહારાષ્ટ્રના અડધા ભાગમાં દુકાળના ડાકલા જેવી સ્થિતિ અને ઉત્તર પ્રદેશ, કેરળ અને અન્ય કેટલાક રાજ્યોમાં ભયંકર અતિવૃષ્ટિને લીધે મુંબઈના સપ્લાયરો અને દેશાવર સાથે મોટો વેપાર કરનારને પેમેન્ટનાં બાકી નાણાં ફસાવાની સંભાવના સતાવે છે.
સ્થાનિક બજાર સૂત્રોએ જણાવ્યું છે કે નજીકના ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જો પૂરતો વરસાદ નહીં પડે તો વાસણની ગ્રામીણ માગને ગંભીર અસર થઈ શકે છે. છેલ્લાં  કેટલાંક વર્ષાની સરખામણીએ આમેય, વાસણ-કટલરીના ધંધાનું વોલ્યુમ 2017 અને 2018માં 30 ટકા જેટલું ઘટી ચૂકયું છે. હવે વેપારી-મેન્યુફેકચરો મોટું જોખમ ઉઠાવવાનું ટાળી રહ્યા છે. પર્વો અને લગ્નસરાના નવા અૉર્ડર આપવામાં તેઓ સાવધાનીરૂપે બેથી ત્રણ હિસ્સામાં માલ મોકલવાની સૂચના આપતા થયા છે, જેથી મોટી નાણાભીડથી બચી શકાય.
સ્થાનિક વેપારીઓએ નવા વાસણ-કટલરીના અૉર્ડર શરૂ કર્યા હોવાથી મેન્યુફેકચરો પાસે પણ નવું કામ નીકળ્યું છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બજારના નિરસ માહોલને લીધે અનેકને કુશળ કારીગરોની તંગીનો સામનો કરવો પડે છે. 
જોકે, નિકાસ મોરચો તદ્દન ઠંડો હોવાથી મેન્યુફેકચરોનું કામ જે અગાઉ તદ્દન ઘટી રહ્યું હતું તેમાં અત્યારે એકાદ મહિનાથી થોડો સુધારો થયાનું સ્થાનિક યુનિટ ધારકે જણાવ્યું છે.
સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટસ ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ કુમુદભાઈ ચીનીવાલાએ જણાવ્યું છે કે `આપણી વેપાર વ્યવસ્થાનો મોટે ભાગે વરસાદ પર આધાર રહે છે. અનિશ્ચિત વરસાદ અથવા વરસાદની અછત બજારમાં થોડી ચિંતા ઉપજાવે તે સ્વાભાવિક છે. આમ છતાં ચાલુ વર્ષના ઉત્સવ સામેના અૉર્ડરો હવે શરૂ થયા છે, જે સારો સંકેત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer