ગુલાબી ઇયળથી રાજ્યમાં 12 લાખ ગાંસડી કપાસનો પાક નાશ પામ્યો

ગુલાબી ઇયળથી રાજ્યમાં 12 લાખ ગાંસડી કપાસનો પાક નાશ પામ્યો

પુણે, તા. 14 અૉગ.
ગુલાબી ઇયળથી મહારાષ્ટ્રમાં કપાસનો 12 લાખ ગાંસડી જેટલો પાક નાશ પામ્યો હોવાનો ભય છે. કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના ડિરેક્ટર મનીષ દાગાના સર્વેક્ષણ અનુસાર છેલ્લા પંદર દિવસમાં જોવાયેલા ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે મહારાષ્ટ્રનો કપાસનો પાક ગયા વર્ષની 82 લાખ ગાંસડીથી ઘટીને 70 લાખ ગાંસડી ઊતરવાનો અંદાજ છે.
સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાના કહેવા મુજબ ખાનદેશમાં ગુલાબી ઇયળ, સફેદ બુરશી અને થ્રિપ્સ નામના કીટકથી કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે.
કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએઆઈ)એ પ્રવર્તમાન પાકવર્ષ 2017-18 માટે પાકનો 365 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિ.ગ્રા.)નો અંદાજ જુલાઈમાં પણ જાળવી રાખ્યો છે.
જોકે, વિવિધ મથકોએ જુલાઈ દરમિયાન થયેલી આવકોના આધારે ગયા મહિને આપેલા અંદાજની સરખામણીએ રાજ્યવાર પાકના અંદાજમાં તેણે ફેરફાર કર્યો છે. પંજાબ અને હરિયાણાના પાકનો અંદાજ અનુક્રમે બે લાખ ગાંસડી અને 50,000 ગાંસડીનો ઘટાડવામાં આવ્યો છે. જ્યારે અપર રાજસ્થાન અને લોઅર રાજસ્થાનના પાકનો અંદાજ અનુક્રમે એક લાખ ગાંસડી અને 1.50 લાખ ગાંસડી વધારવામાં આવ્યો છે. સીએઆઈએ ગયા મહિનાના અંત સુધીમાં 353.45 લાખ ગાંસડીની આવકો, 11 લાખ ગાંસડીની આયાતો અને 36 લાખ ગાંસડીની ઉઘડતી પુરાંત મળીને કપાસનો કુલ પુરવઠો 400.45 લાખ ગાંસડી હોવાનો અંદાજ મૂક્યો છે.
વધુમાં કમિટીએ અૉક્ટોબર, 2017થી જુલાઈ, 2018ના સમયગાળામાં રૂના વપરાશનો અંદાજ મહિનાની સરેરાશ 27 લાખ ગાંસડી થઈને 270 લાખ ગાંસડીનો જણાવ્યો છે. જ્યારે ગયા મહિનાના અંત સુધીમાં નિકાસ 67 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂકયો છે. જુલાઈના અંતે સ્ટોક 63.45 લાખ ગાંસડી અંદાજાય છે, જેમાંથી ટેક્સ્ટાઈલ મિલ પાસે 42.65 લાખ ગાંસડી અને 20.80 લાખ ગાંસડી સીસીઆઈ અને એમએનસી, વેપારીઓ, જીનરો તથા અન્યો પાસે હોવાનો અંદાજ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer