જીજેઈપીસીની ચીનમાં અૉફિસ ખૂલશે

જીજેઈપીસીની ચીનમાં અૉફિસ ખૂલશે
નબળી માગથી ચિંતિત હીરાઉદ્યોગની હવે દિવાળી-ક્રિસમસ પર નજર
 
મુંબઈ, તા. 14 અૉગ.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ શેનઝેન રફ ડાયમંડ એક્સ્ચેન્જ સાથે સમજૂતી કરાર કર્યા છે. પ્રવક્તાએ કહ્યું કે આ કરાર હેઠળ જીજેઈપીસી ચીનમાં અૉફિસ શરૂ કરશે.
અધ્યક્ષ પ્રમોદ કુમાર અગરવાલે કહ્યું કે, ``જ્વેલરી વેપારને પ્રોત્સાહન આપવા માટે અમે શેનઝેન રફ ડાયમંડ એક્સ્ચેન્જ (એસઆરડીઈ) સાથે સમજૂતી કરાર કર્યા છે. ચીનની ઝડપથી વધતી હીરા બજારની માગનો લાભ લેવા ત્યાં અૉફિસ પણ શરૂ કરશું. અમે અમારી બજારનો વ્યાપ વધારવા માગીએ છીએ. ચીનમાં અમને સારી તક મળશે.''
શેનઝેન અને ચીનના અન્ય વિસ્તારોનું જ્વેલરી ક્ષેત્ર તેના સહયોગી સાથે અહીં લાંબા ગાળાના વેપાર સંબંધો વધારવાના પ્રયાસ કરી રહ્યું છે.
તાજેતરના વર્ષોમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી ક્ષેત્રનો દ્વિપક્ષી વેપાર વૃદ્ધિ તરફી રહ્યો છે. વર્ષ 2017માં વેપાર 21.41 અબજ ડૉલરનો થયો હતો જે વાર્ષિક ધોરણે 29 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અહીંની નિકાસ 13.96 અબજ ડૉલરની થઈ હતી. શેનઝેન ચીનનું સૌથી મોટું આભૂષણ બનાવતું કેન્દ્ર છે. ત્યાં 5000 કારખાના છે જે અંદાજે 15,000 લોકોને રોજગારી આપે છે.
કેટલાક વખતથી નબળી માગનો સામનો કરી રહેલા હીરાઉદ્યોગ હવે દિવાળી અને ક્રિસમસ પર આશાવાદ રાખી બેઠો છે. વૈશ્વિક સ્તરે ફેક ડાયમંડ અને લેબોરેટરીમાં બનેલા હીરાના વિવાદની અસર માગ પર જણાઈ છે.
છેલ્લા ત્રણ માસમાં પૉલિશ્ડ હીરાની માગમાં 20 ટકા જેટલો ઘટાડો રહ્યો છે અને ઉદ્યોગમાં માર્જિન તળિયે પહોંચ્યા છે. આથી ઘણી ફેક્ટરીએ કામના કલાકો ઘટાડી દીધા છે. રફ હીરાના ઊંચા ભાવ અને પૉલિશ્ડ હીરાના ભાવમાં ઘટાડાના કારણે અનેક યુનિટોએ ઉત્પાદન ઘટાડયું છે. અગાઉ દૈનિક 10 કલાક ચાલતા યુનિટો હવે 6-7 કલાક ચાલે છે.
છેલ્લા ત્રીસેક માસમાં રફ હીરાના ભાવ 10-15 ટકા વધ્યા છે તેની સામે પૉલિશ્ડ હીરાના ભાવ પાંચ ટકા જેવાં ઘટયા છે. ડૉલર સામે રૂપિયો નબળાં પડયો હોવા છતાં હીરા ઉદ્યોગને તેનો ખાસ લાભ થયો નથી, કારણ કે રફ હીરાની આયાત મોંઘી બની છે. અમેરિકાના બજારમાં પણ નેચરલ કે લેબમાં બનેલા હીરાને હીરા જ ગણવામાં આવે છે અને ત્યાં તેની મોટી અસર જોવા મળી છે. 2017માં ભારતે અમેરિકામાં 8 અબજ ડૉલરના પૉલિશ્ડ હીરાની નિકાસ કરી હતી જે કુલ નિકાસ 40 ટકા ગણાય.
હીરા બજારના વેપારીઓના મુજબ નાના-હીરાની કિંમત પ્રતિ કેરેટ રૂા. 30,000ના સ્તરે પહોંચી છે. જે 2008ની વૈશ્વિક મંદીના સ્તરે છે અને 2012ની રૂા. 83,000 ટોચથી ઘણા નીચા છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મુજબ લેબર જોબ વર્ગના કામમાં ઘટાડો થયો છે. ગ્રામ્ય વિસ્તરોની ફેક્ટરીઓમાં 30 ટકા જેટલી ફેક્ટરીઓમાં કામના કલાક ઘટયા છે. છેલ્લાં એક મહિનામાં નિકાસમાં પણ ઘટાડો રહ્યો છે. વધુમાં બૅન્ક ફાઈનાન્સમાં તકલીફને કારણે પણ ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer