કૃષિનિકાસ નીતિ વૈશ્વિક ધોરણો સાથે સુસંગત હશે

કૃષિનિકાસ નીતિ વૈશ્વિક ધોરણો સાથે સુસંગત હશે
2022 સુધીમાં દેશની કૃષિ નિકાસ બમણી કરવાનું લક્ષ્યાંક
 
નવી દિલ્હી, તા. 14 અૉગ.
સૂચિત રાષ્ટ્રીય કૃષિ નિકાસ નીતિ આંતર પ્રધાન ખાતા સ્તરે ચકાસણીમાંથી પાર ઉતર્યા બાદ હવે ટૂંકમાં જ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
આ પૉલિસીનો હેતુ 2022 સુધીમાં ભારતની ખેતનિકાસ બમણી વધારી 60 અબજ ડૉલરની સપાટીએ પહોંચાડવાનો છે. વિશ્વના ટોપ 10 કૃષિ નિકાસકારોમાં ભારતનો સમાવેશ થઈ શકે તે જોવાનો છે. નિકાસ ધારાધોરણમાં સ્થિરતા આણવાનો હેતુ આ પૉલિસીનો છે.
કૃષિ નિકાસ નીતિમાં સૂચવાયેલાં બધાં પગલાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન નોર્મ્સની સુસંગત હશે. વૈશ્વિક વેપાર ધારાધોરણ અનુસાર જ માર્કેટિંગ, પ્રમોશન અને કલસ્ટર ડેવલપમેન્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણની નાણાકીય જોગવાઈની છૂટ અપાશે.
1000 ડૉલરથી ઓછી માથાદીઠ ગ્રોસ રાષ્ટ્રીય આવકના બ્રેકેટમાંથી ભારત બહાર આવી ગયું છે. આથી નિકાસ સબસિડી આપવાની છૂટ ડબ્લ્યુટીઓ આપતું નથી.
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી આ નીતિ ઘડાઈ રહી છે. આમાં ભારે કિંમતની અને વેલ્યુએડેડ કૃષિ નિકાસને વેગ અપાશે. નાશવંત ચીજો પર વધુ ધ્યાન અપાશે. ભારતની વેલ્યુએડેડ પ્રોડકટસની નિકાસ બહુ ઓછી છે અને તેમાં સુધારાનો અવકાશ ઘણો છે. ભારતની કૃષિ નિકાસ બાસ્કેટમાં હાઈવેલ્યુ અને વેલ્યુએડેડ કૃષિપેદાશનો હિસ્સો 15 ટકાથી ઓછો છે, જ્યારે યુએસનો હિસ્સો 25 ટકા છે અને ચીનનો હિસ્સો 49 ટકા છે.
ડ્રાફટ પૉલિસીમાં વેલ્યુએડેડ પ્રોડકટસ જેવા કે વેલ્યુએડેડ કાજુ, ફલેવર્ડ કાજુ, સફરજન, જામ અને પેસ્ટ વગેરેના ડેવલપમેન્ટ અને રિસર્ચ માટે નાણાકીય પૅકેજની વાત કરાઈ છે.
ખેતપેદાશોના વૈશ્વિક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે ભારતને સ્થાપિત કરવાનો ઈરાદો આ નીતિનો છે. આથી નિકાસ અંકુશો જેવા કે લઘુતમ નિકાસભાવ, નિકાસ જકાત, નિકાસ પ્રતિબંધ વગેરેમાં છાશવારે ફેરફારો કરવા નહીં અપાય.
પ્રોસેસ્ડ કૃષિ ઉત્પાદનો અને ઓર્ગેનિક ઉત્પાદનો પર કોઈ પણ પ્રકારના નિકાસ નિયંત્રણો લદાય નહીં તે આ નીતિમાં જોવાશે.
પાકના પ્રી અને પોસ્ટ-હાર્વેસ્ટ મૅનેજમેન્ટ પર વધુ ભાર આપવા માટે નિકાસલક્ષી ક્લસ્ટરો ઊભા કરવાની અને સપ્લાય ચેઈન અપગ્રેડ કરવાની વહીવટી ભલામણોનો પણ આ નીતિમાં સમાવેશ કરાશે.
કેળાં, પોમગ્રેનેટસ, કેરી, દ્વાક્ષ, લીચી, સફરજન, ટમેટાં, મીન્ટ, જીંજર, મરચાં, બટાટા માટે અમુક ક્લસ્ટરો ઊભા કરવાનું સૂચવાયું છે.
આ ઉપરાંત રાજ્ય સરકારોને સાંકળી ઈન્સ્ટિટયુશનલ ફેરફારો કરવા સૂચવાયું છે. એપીએમસી એકટમાં સુધારો, મંડી ફીમાં ફેરફાર, ઉદાર લેન્ડ લીઝિંગ પૉલિસી વગેરેનો આમાં સમાવેશ કરી શકાશે.
`પ્રોડયુસ અૉફ ઈન્ડિયા'ના પ્રોમોશન અને માર્કેટિંગ પર ભાર આપવાનું સૂચવાયું છે. કૃષિ નિકાસને વેગ આપવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટિક ટેકા પર ભાર અપાઈ રહ્યો છે. નિકાસલક્ષી આરએન્ડડી સેન્ટરો ઊભાં કરવાની દરખાસ્ત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer