ફુગાવો ઘટતાં શૅરબજારમાં તેજીનો માહોલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સન ફાર્મા, એક્સિસ બૅન્કમાં

ફુગાવો ઘટતાં શૅરબજારમાં તેજીનો માહોલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સન ફાર્મા, એક્સિસ બૅન્કમાં
ભારે લેવાલી દ આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શૅરબજાર રજા પાળશે
 
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 14 ઑગ.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શૅરબજારના ખેલાડીઓ ગુલાબી મૂડમાં હતા. બે દિવસના ઘટાડાને પાછળ છોડીને શૅરબજાર આજે તેજીતરફી અગ્રેસર બન્યું હતું. બૅન્ક, એફએમસીજી, એનર્જી અને મેટલ શૅર્સની તેજીને પગલે બંને બેન્ચમાર્ક્સ વધીને બંધ નોંધાયા હતા. ફુગાવાના પ્રોત્સાહક આંકડાને પગલે મોટા ભાગનાં તમામ ક્ષેત્રોમાં લેવાલી જોવા મળી હતી. શાકભાજીના ભાવ ઘટતાં જુલાઈમાં રિટેલ ફુગાવો 4.17 ટકાએ નવ મહિનાને તળિયે નોંધાયો છે. જૂનમાં ચાર વર્ષની ટોચે પહોંચેલો જથ્થાબંધ ભાવનો ફુગાવો જુલાઈમાં નજીવા ઘટાડા સાથે 5.09 નોંધાયો છે.
વિનિમય દર ઉપર સંકટનાં વાદળ હજુ ઘેરાયેલાં જણાય છે. પરંતુ વિકસતા દેશોના વિનિમય દર સાથે રૂપિયાનો ટ્રેન્ડ હજુ સુસંગત વલણ ધરાવે છે અને કેન્દ્ર સરકારે ટર્કીના હૂંડિયામણ દરમાં કડાકો ચિંતાજનક ન હોવાનું પણ જણાવ્યું છે. 
મંગળવારે સેન્સેક્ષ 207 પોઈન્ટ વધીને 37,852 અને નિફ્ટી 79 પોઈન્ટ વધીને 11,435ની સપાટીએ બંધ નોંધાયો હતો. સેન્સેક્ષના 18 શૅર્સ વધીને અને 13 શૅર્સ ઘટીને, જ્યારે નિફ્ટીના 30 શૅર્સ વધીને 20 શૅર્સ ઘટીને બંધ નોંધાતાં એકંદર માર્કેટ બ્રેડ્થ સકારાત્મક રહી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.89 અને 0.53 ટકા વધ્યા હતા.  રૂપિયાના ઘસારાને પગલે આઈટી અને ફાર્મા શૅર્સમાં તેજી જોવા મળી હતી. એનર્જી, બૅન્ક અને રિયલ્ટી ક્ષેત્રના શૅર્સમાં પણ નોંધપાત્ર લેવાલી હતી. જોકે, બજારના એકંદર વલણથી વિપરીત એચડીએફસીના બંને શૅર્સ, એલ એન્ડ ટી, હીરો મોટોકોર્પ અને ભારતી એરટેલના શૅર્સ ઘટયા હતા. 
સેન્સેક્ષમાં સૌથી વધુ સાત ટકા તેજી સન ફાર્માના શૅરમાં જોવા મળી હતી. જૂન ત્રિમાસિકમાં મજબૂત પરિણામોને પગલે આ તેજી નોંધાઈ હતી. આઈડીબીઆઈ બૅન્કે રૂા. 2410 કરોડની ચોખ્ખી ખોટ નોંધાઈ હોવાને પગલે શૅર લગભગ ફ્લેટ બંધ થયો હતો. 
એનએસઈમાં 33 શૅર્સમાં બાવન સપ્તાહની ટોચ જોવા મળી હતી, જેમાં બાટા ઈન્ડિયા, ડાબર ઈન્ડિયા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, નેલ્કો, એનઆઈઆઈટી ટેકનોલોજીસ, ફાઈઝર અને યુનાઈટેડ બ્રુવરીઝ સામેલ હતા. બીજી તરફ, કેન ફિન હોમ્સ, તાતા મોટર્સ, વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ સહિત 58 શૅર્સમાં બાવન સપ્તાહનું તળિયું જોવા મળ્યું હતું.
ક્ષેત્રવાર સૂચકાંકોમાં બીએસઈ ઈન્ડસ્ટ્રિયલ, ટેલીકોમ, કેપિટલ ગુડ્સ અને પાવરને બાદ કરતાં બાકીના તમામ સૂચકાંકો વધીને બંધ નોંધાયા હતા. એનએસઈમાં તમામ ક્ષેત્રવાર સૂચકાંકો વધીને બંધ નોંધાયા હતા. નિફ્ટી ફાર્મા સૌથી વધુ ત્રણ ટકા વધ્યો હતો. નિફ્ટીમાં સન ફાર્મા, યસ બૅન્ક, લુપિન, સિપ્લા, બજાજ ફાયનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ  સૌથી વધુ વધ્યા હતા. એશિયાનાં અન્ય શૅરબજારોમાં શાંઘાઈ એસઈ કમ્પોઝિટ ઈન્ડેક્ષ અને હેન્ગ સેન્ગ ઘટીને બંધ થયા હતા, જ્યારે નિક્કી બે ટકા વધ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer