અમેરિકાએ હીરાની વ્યાખ્યામાં ફેરફારની દરખાસ્ત કરતાં હીરાઉદ્યોગમાં ફરી ભયનો માહોલ

અમેરિકાએ હીરાની વ્યાખ્યામાં ફેરફારની દરખાસ્ત કરતાં હીરાઉદ્યોગમાં ફરી ભયનો માહોલ
સુરત, અમદાવાદ તા. 14 અૉગ.
અમેરિકાના ફોરેન ટ્રેડ વિભાગે રિયલ હીરાની વ્યાખ્યામાં ફેરફાર કરવા માટે એક દરખાસ્ત કરી છે. અમેરિકાની આ દરખાસ્તથી દેશના હીરાઉદ્યોગને ફટકો પહોંચશે તેવી સંભાવના હીરાઉદ્યોગના કેટલાક નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. અમેરિકાના ફોરેન ટ્રેડ વિભાગે હીરાની વ્યાખ્યામાં વાપરવામાં આવતા નેચરલ શબ્દને કાઢી નાખવા માટે દરખાસ્ત કરી છે. અલબત્ત તેના ઉપર  દુનિયાભરનાં હીરાઉદ્યોગનાં સંગઠનોના અભિપ્રાય માગ્યા છે.
હીરાઉદ્યોગના કેટલાક નિષ્ણાતોએ આ મામલે ભય સ્થાન દર્શાવતાં ટાંક્યું છે કે, દેશમાંથી જેટલા હીરાની નિકાસ થાય છે તેમાંથી 40 ટકા હીરાનું ખરીદદાર એકમાત્ર અમેરિકા છે. અમેરિકા આવી હીરા માટે વાપરવામાં આવતી ભેદરેખાને દૂર કરે તો ઘરઆંગણાના હીરાઉદ્યોગ માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. ચીન સિન્થેટીક હીરાના ઉત્પાદન મામલે આગળ છે. જો અમેરિકા તેની વ્યાખ્યામાં બદલાવ કરે તો ઘરઆંગણાના હીરાઉદ્યોગને સૌથી મોટી હરીફાઈ ચીન તરફથી મળી શકે તેમ છે. ઘરઆંગણાંના હીરાઉદ્યોગની નિકાસને ફટકો પણ પહોંચી શકે તેમ છે. 
રિયલ ડાયમંડ કરતાં સિન્થેટીક ડાયમંડ ઘણા સસ્તા હોય છે. હજુ તો અમેરિકા તરફથી આ પ્રકારની દરખાસ્ત કરવામાં આવી છે. આ મામલે દુનિયાભરનાં હીરાનાં સંગઠનોના અભિપ્રાયો લેવામાં આવશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રીજનના ચેરમેન દિનેશભાઈ નાવડિયા કહે છે કે, જીજેઈપીસી આ મામલે એનાલિસિસ કરી પોતાનો રિપોર્ટ તરીકે જમા કરાવશે. અમેરિકાની નવી દરખાસ્તથી હીરાઉદ્યોગમાં ભયનું વાતાવરણ નથી. 
બીજી તરફ હીરાઉદ્યોગના કેટલાક નિષ્ણાતો અત્યારથી આ મામલે હીરાઉદ્યોગમાં મુશ્કેલીનો માહોલ શરૂ થયાનું ચેતવી રહ્યા છે. આમ, પણ છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગને મંદીનો માહોલ નડી રહ્યો છે. ભારતમાંથી પોલિશ્ડ હીરાની નિકાસમાં પાછલા ત્રણ માસમાં 9.3 ટકા સુધીનો ઘટાડો નેંધાયો છે. તેમજ હીરાઉદ્યોગકાર નીરવ મોદીના પીએનબી બેન્કના લૌન કૌભાંડ બાદ હીરાઉદ્યોગના નાના-મોટા તમામ સ્તરના ઉદ્યોગકારોને લોન મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. એવામાં અમેરિકાની હીરાની વ્યાખ્યામાંથી નેચરલ શબ્દ નીકળી જાય તો અસર થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer