ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અચ્છે દિન?

શું થયું?  ફિલ્મે કરી રૂા. 20 કરોડની કમાણી!

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 14 સપ્ટે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અચ્છે દિન શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં રજૂ થયેલી અને મલ્ટિપ્લેક્ષમાં સારા એવા દર્શકો મેળવી રહેલી ફિલ્મ `શું થયું ?'એ કમાણીના જૂના રેકર્ડ તોડી પાડ્યા છે. અત્યારે રૂા. 20 કરોડની આસપાસનું કલેક્શન થઈ ચૂક્યું હોવાનો દાવો ફિલ્મના નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકએ કર્યો છે. દર્શકો અગાઉની ફિલ્મ છેલ્લો દિવસની સ્ટારકાસ્ટને ધ્યાનમાં લઇને ફિલ્મ નિહાળવા જાય છે, પરંતુ કેટલાક દર્શકોએ ફિલ્મને કંટાળાજનક તો કેટલાકે સારી ગણાવી છે. ફિલ્મનો રિવ્યૂ એકંદરે સાધારણ છે. 
1998 માં આવેલી `દેશરે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ ફક્ત રૂા. 60 લાખમાં બની હતી અને એ સમયમાં રૂા. 18 કરોડનું કલેક્શન કરી લીધું હતું, પરંતુ એ પછી લગાતાર 17 વર્ષ સુધી જાણે મોટા કલેક્શન વાળી ફિલ્મનો દુકાળ જ પડ્યો હોય તેમ ફિલ્મો આવે ને જાય એ રીતે થતું રહ્યું.
2015માં બે કરોડ 80 લાખ માં બનેલી `છેલ્લો દિવસ' નામની ગુજરાતી ફિલ્મ રૂા. 18 કરોડનું કલેક્શન કરી તરખાટ મચાવી દીધો અને `છેલ્લો દિવસ'ના નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે `શું થયું' નામની ગુજરાતી ફિલ્મ રૂા. 3 કરોડ 75 લાખમાં બનાવી જે અત્યારે મલ્ટિપ્લેક્ષમાં ચાલી રહી છે અને રૂા. 20 કરોડની આસપાસનું કલેક્શન કરી શકી છે એમ યાજ્ઞિક કહે છે.  
અગાઉ એવી માન્યતા હતી કે ગુજરાતી ફિલ્મ તો માત્ર ગામડાંના લોકો જુએ, પરંતુ હવે અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્ષમાં અને અન્ય મોટાં શહેરોમાં હવે ગુજરાતી ફિલ્મો આવે છે અને અર્બન ઓડિયન્સ તેમને જોવા પણ જાય છે. તાજેતરમાં પાસપોર્ટ, થઇ જશે, ફિલ્લમ, લવની ભવાઇ, ગુજ્જુભાઇ, નટસમ્રાટ, આપણે તો ધીરુભાઇ જેવી સારી ફિલ્મો પણ આવી છે અને ચાલી પણ છે. 
ગુજરાતી ફિલ્મોનું વાર્ષિક માર્કેટ રૂા. 700 કરોડથી રૂા. 1000 કરોડ સુધીનું છે અને 30 હજાર લોકો તેમાં રોજગારી મેળવે છે, પરંતુ હવે મોટા બેનરવાળી ગુજરાતી ફિલ્મો પણ આવવા લાગી છે અને લોકો જોવા થિયેટરોમાં પણ જાય છે. 
અમદાવાદ વાઈડ એંગલના માલિક રાકેશ પટેલ જણાવે છે કે   `છેલ્લો દિવસ' નામની ગુજરાતી ફિલ્મ આવી ત્યારે એટલી હિટ થઈ કે અમે રવિવારના દિવસે તમામ અઢાર શો માત્ર ગુજરાતી ફિલ્મોના જ રાખ્યા હતા અને હિન્દી ફિલ્મો કેન્સલ કરી હતી. `શું થયું'ના શો પણ હિટ જાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer