બોગસ બિલો બનાવીને થાય છે `જીએસટી'' ચોરી

બોગસ પેઢીઓ-કંપનીઓ બનાવીને માલ એકબીજામાં ફેરવીને થતાં કૌભાંડ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.14 સપ્ટે.
જીએસટી ફુલપ્રૂફ કાયદો છે અને કરચોરો કાળો કારોબાર કરી નહીં શકે તેવી વાતો પોકળ સાબિત થઇ છે, કારણ કે ખરીદ વેચાણ કર્યા વિના બોગસ બિલોને જીએસટી વિભાગમાં રજૂ કરીને કેશ ક્રેડિટ મેળવાઇ રહી હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવી રહ્યા છે. સરકારને ચૂનો ચોપડવાની કેટલીક મોડસ ઓપરેન્ડી પ્રવર્તમાન સમયે સક્રિય થઇ છે. હજુ ગયા અઠવાડિયે ગુજરાતમાં 46 જેટલી પેઢીઓએ જીએસટી ચોરી કરી હોવાના મામલે છાપા પડયા હતા.
માલ વેચ્યા વિના જ કૌભાંડી પાર્ટી માલ લેનારને વેચાણ બિલ આપીને જીએસટી ઉઘરાવી લે તે પદ્ધતિ અત્યારે પોપ્યુલર છે. બોગસ બિલ લેનાર વેપારીને બે નંબરનો માલ એક નંબરમાં તબદિલ કરી લેવાની લાલચ હોય છે એટલે બિલ લઇને જીએસટી પણ ચૂકવે છે. જોકે, મૂળ વેચનાર પાર્ટી બોગસ જ હોય છે એમ એક જાણકારે નામ નહીં લખવાની શરતે કહ્યું હતું.
કેટલીક વખત બોગસ વેપારીઓ માલનો કેટલોક જથ્થો સસ્તો વેચીને પણ બોગસ બિલિંગ કરી નાંખતા હોય છે. ખરીદનાર નાનકડા ફાયદાની લાલચમાં આવીને સોદો પણ કરે છે.
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે, જુલાઇ 2017થી માર્ચ 2018 સુધીના વ્યવહારોમાં ઇનપૂટનું ક્રોસ વેરિફિકેશન થતું ન હતું પરિણામે કોઇપણ રીતે માલનું આભાસી ઇનપૂટ લઇ આભાસી આઉટપૂટ બતાવીને છેતરપિંડી કરવાનો રસ્તો સાફ હતો. ક્રોસ વેરિફિકેશન થાય તો જ આવા કિસ્સા સામે આવતા હોય છે. અલબત્ત વહેલામોડા જીએસટી વિભાગ ક્રોસ વેરિફિકેશન કરતો જ હોય છે એટલે કદાચ ચોરી થઇ હોય તો પણ તે બહાર આવ્યા વિના રહેવાની નથી.
અગાઉ જીએસટીમાં 36 રિટર્ન ભરવાની જોગવાઇ હતી. એ ફૂલપ્રૂફ હતી પરંતુ વધુપડતા રિટર્નનો ઉહાપોહ થતાં સરકારે સરળતા અપનાવી અને ચોરી માટે રસ્તા ખૂલી ગયા છે. 
રાજકોટના એક અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે, ઘણા વેપારીઓ મૂળ પેઢીથી અલગ હોય એવી બીજી બેથી ત્રણ પેઢીઓ બનાવે છે. જીએસટી નંબર નાંખીને બિલ પણ બનાવતાં હોય છે પણ એક જ માલ પોતાની ત્રણેક પેઢીઓમાં ફેરવીને પછી વેચે છે અને જીએસટી વિભાગ પાસેથી ક્રેડિટ એકત્ર કરી લે છે.  બે-ત્રણ પેઢીમાં માલ ફેરવવાથી વિભાગમાં ઝડપથી ટ્રેસ થવાતું નથી. કદાચ આવા કિસ્સાઓ પકડાય તો પણ અંતિમ વ્યક્તિ સુધી તપાસ પહોંચે ત્યારે સરકારને રિકવરી મળે એવી સ્થિતિ જ રહી હોતી નથી. પરિણામે કરચોરો બચી જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer