અમદાવાદમાં એન્ટ્રી અૉપરેટરની ડાયરીમાંથી મળી રૂા. 600 કરોડની એન્ટ્રીઓ, 20 કરોડ રોકડા મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 સપ્ટે. 
આવકવેરા ખાતાએ અમદાવાદમાં સંજય શાહ અને જિજ્ઞેશ શાહ નામના બે એન્ટ્રી અૉપરેટરને ત્યાં દરોડા પાડી હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં રૂા.600 કરોડની એન્ટ્રી મળી આવતા આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠયું છે. દર મહિને 1500 એન્ટ્રીઓ આ ડાયરીમાં થયેલી જોવા મળી છે. એન્ટ્રી અૉપરેટર દરરોજની 50 એન્ટ્રીઓમાંથી પૈસા કાપતા હતા. સાત વર્ષમાં કરેલી એન્ટ્રીઓમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓને આધારે તપાસ હાથ ધરાઇ છે. ગત મંગળવારે આવકવેરા વિભાગે સંજય શાહ અને જિજ્ઞેશ શાહના ત્રણ રહેઠાણ અને ત્રણ કોમર્શિયલ એકમો પર દરોડા પાડયા હતા. જિજ્ઞેશ શાહના મકાનમાંથી આવકવેરા વિભાગને રૂા.20 કરોડ જેટલી રોકડ મળી આવી હતી. લગભગ 16 કલાક સુધી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. નોટબંધી બાદ અમદાવાદમાં આવકવેરા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. 
ગુજરાતમાં છેલ્લાં દોઢથી બે દાયકામાં આવકવેરાના દરોડામાં પકડાયેલી આ મોટામાં મોટી રોકડ રકમ છે. આ તમામ વિગતની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. સંજય અને જિજ્ઞેશ મળીને 19 થી 20 ડીમેટ એકાઉન્ટસ અને 19 થી 20 બૅન્ક એકાઉન્ટસ એટેચ કરી દેવામાં આવ્યા છે. આ તમામ એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. જિજ્ઞેશ શાહ શૅરબજારના ખેલાડીઓ સહિતના અન્યોને એન્ટ્રીઓ પૂરી પાડવાનું કામ કરતો હતો. તેની મોડસ ઓપરેન્ડિમાં મુખ્યત્વે પેની સ્ટોક જૂની તારીખથી ખરીદાવડાવીને તે પછી તેને ડિમેટમાં રૂપાંતર કરાવીને બજારમાં સટ્ટો કરાવીને તે શૅર્સ વેચાવડાવી દઇને બ્લેકના નાણાંને ટૅક્સ ભર્યા વિના જ વ્હાઇટના નાણાંમાં રૂપાંતરિત કરી આપવાનું કામ કરતો હતો. 
જિજ્ઞેશ અને સંજય નફો અને નુકસાન લે-વેચનું કામ કરીને મની લોન્ડરિંગ કરનારાઓને સહયોગ આપતા હોવાનું આવકવેરા વિભાગના દરોડામાં બહાર આવ્યું છે. તેમની પાસે મળી આવેલા દસ્તાવેજી પુરાવાઓને પરિણામે આગામી દિવસોમાં અમદાવાદની ઘણી પાર્ટીઓ આવકવેરા વિભાગના સકંજામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer