કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન આપવા બ્રાઝિલ સાથે કરાર

બેંગલુરુ, તા.14 સપ્ટે.
બ્રાઝીલ અને ભારતના કૃષિ ઉદ્યોગમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક નવિનતા લાવવા માટે સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર પ્લેટફોર્મ્સ (સી-કૅમ્પ)ના બ્રાઝીલના કૃષિહબ ગણાતા ફેડરેશન અૉફ એગ્રિકલચર ઍન્ડ લાઈવસ્ટોક અૉફ ધ સ્ટેટ અૉફ માટો ગ્રોસો (ફામાટો) સાથે એમઓયુ (સમજૂતી કરાર) થયા છે. 
આ બંને કેન્દ્રો ભારત-બ્રાઝીલ ઈનોવેશન કોરિડોર બનાવશે, જેમાં કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન આધારિત ઉદ્યોગસાહસિકતા, રિસર્ચ અને બિઝનેસનો વિકાસ કરવામાં આવશે. આ એમઓયુમાં સી-કૅમ્પના સીઈઓ અને ડિરેક્ટર ડૉ.તસલીમારીફ સૈયદ અને ફામાટોના વાઈસ પ્રેસિડેન્ટ માર્કોસ ડા રોસાએ સહી કરી હતી. સી-કૅમ્પ અંતર્ગત લોન્ચ કરવામાં આવેલા એગ્રિ-ઈનોવેશન કેન્દ્ર દ્વારા આ એમઓયુ પ્રથમ પહેલ છે અને આ એમઓયુથી ખેડૂતોની સમસ્યા તેમ જ ખેતીની નવિનતા વૈશ્વિક ધોરણે રજૂ થશે. 
ડૉ.સૈયદે કહ્યું કે, અર્થતંત્ર અને પરંપરાની દૃષ્ટિએ ભારત અને બ્રાઝીલમાં ઘણી સમાનતા છે. અમે કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ. આ કોરિડોર દ્વારા બંને દેશોના ખેડૂતો ખેતીમાં નવિનતાથી અવગત થશે. 
જ્યારે ફામાટોના માર્કોસ ડા રોસાએ કહ્યું કે, અમારા એગ્રિહબને મજબૂત બનાવવા માટે આ એમઓયુ મહત્ત્વનો છે. બંને દેશની ભાગીદારીથી ગ્રામીણ ઉત્પાદકોને ટેક્નૉલૉજી અને માહિતી વધુ પ્રદાન થશે. અમે ખેડૂતોની પીડાને સમજીને તેનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારું માનવું છે કે આ ભાગીદારીથી અમને ખૂબ મદદ મળશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer