આ વર્ષે અનાજનો બંપર પાક થવાની ધારણા

કેટલાક પ્રદેશોમાં પૂર કે વરસાદની ખાધ હોવા છતાં ખાદ્યાન્નના ભાવ ઉપર અસર નહીં વર્તાય
 
નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
ચોમાસાની સિઝન અને પાકનું વાવેતર પૂરું થવાની સાથે સરકારને ફરીથી બંપર લણણી થવાની આશા છે. કેટલાંક રાજ્યોમાં પૂરની પાક પર કોઈ મોટી અસર નહિ થવાનું સરકારને જણાઈ રહ્યું છે.
અનિયમિત વરસાદને લઈને તથા કેટલાંક રાજ્યોમાં વરસાદની અછત બાબતે વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સ્થાનિક માગને સંતોષવા પુષ્કળ પુરવઠો હોવાથી વેપાર પર ખાસ મોટી અસર થાય તેવું જણાતું નથી.
પ્રવર્તમાન ખરીફ સિઝનમાં 1039.50 લાખ હેક્ટરના અંદાજ સામે 1041.60 લાખ હેક્ટરમાં મુખ્ય પાકનું વાવેતર કરાયું છે. જાડા ધાન્યો, કપાસ અને કઠોળનો વાવેતર વિસ્તાર ઘટયો છે જ્યારે તેલીબિયાં, ચોખા અને શેરડીનો વધ્યો છે એમ કૃષિ મંત્રાલયની માહિતીમાં જણાવ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ અૉફ એગ્રીકલ્ચર રિસર્ચના ડિરેક્ટર જનરલ ત્રિલોચન મોહપાત્રાએ કહ્યું હતું કે હમણાંનું સારું હવામાન અને વાવેતરના આંકડા મુજબ ખરીફ પાક ગયા વર્ષના સ્તર જેટલો અથવા તેનાથી વધુ સારો પણ થઈ શકે છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં વ્યાપક પણે ચોખાનું વાવેતર થઈ રહ્યું છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પૂર અથવા વરસાદના અભાવે પાકને નુકસાન થશે તે અત્યારે કહેવું વહેલું ગણાશે. પાક પર કદાચ સ્થાનિક અસર થઇ શકે છે પરંતુ પાકના સરેરાશ ઉત્પાદન પર ખાસ અસર થાય તેવું જણાતું નથી. આ સમયે અટકળો કરવાથી દૂર રહેવું ઉચિત રહેશે.
વિશ્લેષકો, વેપારીઓ અને સંગઠનોના પ્રતિનિધિઓને કેટલાંક પાક માટે એટલી આશા જણાતી નથી. નેશનલ કોલેટરલ મૅનેજમેન્ટ સર્વિસીસ પ્રા.લિ. (એનસીએમએલ)એ તેના તાજેતરના અહેવાલમાં ખરીફ સિઝન 2018-19માં અનાજનું કુલ ઉત્પાદન 1367.50 લાખ ટન થવાનું જણાવ્યું છે જે ગયા વર્ષના 1407.30 લાખ ટન (ચોથા આગોતરા અંદાજ મુજબ) કરતાં 2.83 ટકા ઓછું છે. સમગ્ર દેશના વધુ પડતા અનિયમિત અને અસ્પષ્ટ વરસાદના આંકડા ઓછા અંદાજ માટે કારણભૂત છે. દેશના 20 ટાથી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે જ્યારે દેશના હવામાન સંબંધી 36 પેટા વિભાગો હાલ 10 ટકા કરતાં વધુ વરસાદની અછત અનુભવી રહ્યા છે એમ એનસીએમએલના ડેપ્યુટી સીઈઓ યુન્નુપોમ કૌશિકે કહ્યું હતું.
ચોખાનો પાક 1.74 ટકા જેટલો સાધારણ ઘટીને 958 લાખ ટન અને જાડાં ધાન્યોનો 4.1 ટકા ઘટીને 325 લાખ ટન થશે. જ્યારે કઠોળનો પાક ગયા વર્ષના 84.50 લાખ ટનથી 9.5 ટકા ઓછો અને તેલીબિયાનો પાક 2 ટકા ઘટીને 205.50 લાખ ટન થવાનું જણાવાયું છે. ઓછા વળતરને લીધે ખેડૂતોએ કઠોળનો વાવેતર વિસ્તાર ઘટાડયો છે. કૃષિ મંત્રાલયની માહિતી મુજબ 2.21 ટકા ઘટીને 134.40 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું છે. પ્રવર્તમાન સ્થિતિને જોતાં અડદનો પાક 5થી 8 ટકા ઘટી શકે છે. તુવેર અને મગના પાકમાં કોઈ ઘટાડો થાય તેવું જણાતું નથી. વર્ષ 2016 અને 2017માંથી 50 લાખ ટન કઠોળનો જથ્થો સરકાર પાસે હોવાથી ભાવ કે અનાજની પ્રાપ્યતા પર કોઈ અસર નહિ થાય એમ ઇન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેન્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ બિમલ કોઠારીએ કહ્યું હતું. કપાસનું વાવેતર 2.39 ટકા ઘટીને 118 લાખ હેક્ટર થવાથી પાક ઘટશે એવું વેપારીઓનું કહેવું છે. કપાસનો પાક પાંચ ટકા ઘટીને 350 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિ.ગ્રા.) થવાની અપેક્ષા છે એમ કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું હતું. તે જ પ્રમાણે જાડાં ધાન્યોનો પાક પણ ઘટી શકે છે કેમકે બાજરા, મકાઈ, જુવાર અને રાગીનું વાવેતર ઓછું થયું છે. જાડાં ધાન્યોનો સરેરાશ વાવેતર વિસ્તાર 4.03 ટકા ઘટીને 174.30 લાખ હેક્ટર રહ્યો છે.
ખરીફનો મુખ્ય પાક ચોખાનું વાવેતર 2.29 ટકા વધીને 381.9 લાખ હેક્ટરમાં કરાયું છે. પ્રવર્તમાન ખરીફ સિઝનમાં સાનુકૂળ વાતાવરણને લીધે પાક 3 ટકા વધુ થઈ શકે છે. વધુમાં આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટકા અને કેરળમાં ડેમ લગભગ સંપૂર્ણ ભરાઈ જવાની સ્થિતિમાં છે. તેથી ચોખાનો રવી પાક બંપર થવાની અપેક્ષા છે એમ રાઇસ એક્સપોર્ટસ ઍસોસિયેશનના પ્રમુખ બી.વી. કૃષ્ણા રાવે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer