એસકેએસઈ સિક્યુ.નું રૂા. 11.25 કરોડમાં વેચાણ કરવા સોદો

એક્સ્ચેન્જની બોર્ડ મિટિંગમાં આખરી નિર્ણય લેવાશે : 20 અૉક્ટોબરે બેઠક
 
રાજકોટ, તા.14 સપ્ટે.
સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સ્ચેન્જની પેટા કંપની એસકેએસઇ સિક્યુરિટીઝના વેચાણનો સોદો થઇ ચૂક્યો છે. રૂા. 11.25 કરોડની કિંમતથી મોરબીની સોનમ ક્લોકના માલિક શાહ પરિવારે સંસ્થાની ખરીદીમાં રસ દાખવ્યો છે. બોર્ડ અૉફ ડાયરેક્ટર્સે સોદાને મંજૂરી આપી છે. હવે એક્સ્ચેન્જનું બોર્ડ વાર્ષિક સાધારણ સભામાં બહુમતી સાધે એટલે સોદો ફાઇનલ થઇ જશે.
સ્ટોક એક્સ્ચેન્જના સૂત્રોએ કહ્યું કે, એક્સ્ચેન્જની મંજૂરી વર્ષોથી રદ્દ થઇ ગઇ છે. એક્ઝિટ પૉલિસી ઘડવા માટે પહેલાં સિક્યુરિટીનું વેચાણ જરૂરી હતું. નફો કરતી આ પેટા કંપનીના વેચાણ માટે છ મહિના કરતાં વધારે સમયથી કાર્યવાહી ચાલતી હતી. એ માટે 10.25 કરોડ સુધીની બિડ મળી હતી. જોકે, બોર્ડને સોનમ ક્વાર્ટઝની 11.25 કરોડની બિડ મળી હતી. એ ઊંચી જણાતા તે મંજૂર કરાઇ છે. હવે 20 અૉક્ટોબરે એક્સ્ચેન્જની બોર્ડમાં 75 ટકા સભ્યો મંજૂરી આપે એટલે સોદો નક્કી ગણાશે. એ પૂર્વે 29મીએ સબસિડિયરીની પણ એક બેઠક છે.
શરત પ્રમાણે સબસિડિયરીનો 97.50 ટકા જ વેંચાશે. 2.5 ટકા હિસ્સો બ્રોકર સભ્યો પાસે છે તે યથાવત્ રહેશે.એ પૂર્વે સબસિડિયરી 1 કરોડનું ડિવિડન્ડ પણ ચૂકવશે. એ પછી ઉક્ત ભાવનો સોદો ગણાશે. સોદામાં પહેલાં 54 લાખની ચુકવણી થઇ છે. બોર્ડ પછી બીજા 54 લાખ અને બાદમાં સેબીની મંજૂરી બાદ બાકીની રકમ ચૂકવાશે. પ્રક્રિયા ચાર-પાંચ માસ ચાલશે.
આ સોદો પૂરો થયા પછી એક્સ્ચેન્જમાં એક્ઝિટ પૉલિસી લાવવામાં આવશે. આરંભમાં અૉફિસ ખાલી કરાવવામાં આવશે એ પછી બાલ્ડિંગનો સોદો થશે. જોકે, એ માટે હજુ લાંબો સમય રાહ જોવી પડે તેમ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer