રૂપિયો યુએસ ડૉલર સામે ઘટીને 100 થશે ?

શૅરબજાર માર્ક ફેબરને ગંભીરતાથી લેતું નથી
 
સમીર ધોળકિયા  
મુબઈ, તા. 14 સપ્ટે. 
આ અઠવાડિયા દરમિયાન એક તરફ રૂપિયાના ચલણનું સતત ધોવાણ અને બીજીબાજુ ક્રૂડતેલના વધતા ભાવના કારણે ચારે બાજુ ગભરાટ જોવા મળ્યો. સતત વેચવાલીએ શૅરબજાર ઉપરના મથાળેથી એક સરખું ત્રણ દિવસ મોટા પ્રમાણમાં ઘટી ગયું. વાતાવરણ તો જાણે એવું હતું કે સતત ઘટતો રૂપિયો વિદેશી ફંડને પોતાના પોર્ટફોલિયોનું વધુ ધોવાણ અટકાવવા વધારે ને વધારે માલ વેચવાની ફરજ પાડશે. આ સાથે આર.બી.આઇએ રૂપિયો ટકાવવા માટે પ્રયત્નમાંથી હાથ ખેંચી લીધો અને રૂપિયાને તેની પોતાની વાસ્તવિક સપાટી નક્કી કરવા છોડી દીધો. એટલું ઓછું હોય તેમ આંતરરાષ્ટ્રીય અગ્રણી રોકાણકાર માર્ક ફેબરે રૂપિયો ડૉલર સામે ઘટીને લગભગ 100 થઇ જશે તેવું કહેતા નાના મોટા રોકાણકારની તો રહી સહી હિંમત પણ તૂટી ગઈ. જોકે, શૅરબજારે ફરી એક  વખત મોટા એનાલિસ્ટ્સને ખોટા સાબિત કર્યા, કારણ અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં નીચા મથાળેથી મોટો ઉછાળો આપી બધા ખરાબ સમાચાર પચાવીને જાણે એવો સંદેશો આપ્યો કે તેને માર્ક ફેબરની આગાહીમાં વિશ્વાસ નથી.     
 જાણકારોના કહેવા પ્રમાણે શૅરબજારના વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ટકી રહેવાના ઘણા કારણ છે. પહેલું કારણ વિકસતા અર્થતંત્રના બજારો (ઈમરજિન્ગ માર્કેટ) સરખામણીમાં ભારતનું અર્થતંત્ર પ્રમાણમાં ઘણું મજબૂત છે અને આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતા ખમવાની તેની ક્ષમતા આવા દેશની સરખામણીએ ઘણી વધારે છે. બીજું જયારે હાલની પરિસ્થિતિ થાળે પડતી જણાશે કે તરતજ ફોરેન ફંડ્સ કે જેમણે અગાઉ અહિંયા સારી કમાણી કરી છે તે ફરી એક વાર આપણી બજારમાં સક્રિય થાય તે શક્યતા વધારે છે. ત્રીજું ખૂબ જ સબળ કારણ હાલની સાનુકૂળ પરિસ્થિતિ ઉપર સરકારની ચાંપતી નજર છે અને તેની કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વાળવાની ઇચ્છાશક્તિ છે. છેલ્લે ભારતીય નાણાં સંસ્થા તેમ જ વીમા કંપનીઓ નીચા મથાળે સારા શૅરો લેવા ટાંપીને બેઠી હોય છે અને આમ દરેક ઘટાડે કોઈને કોઈ સંસ્થા પસંદગીના શૅરો ખરીદીને પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરતા જાય છે. 
કોર્પોરેટ ક્ષેત્ર કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સમક્ષ છે અને ઘટતો રૂપિયાને કારણે ઊભી થતી મુશ્કેલીથી વાકેફ છે.  નિકાસલક્ષી કંપની જેવી કે આઈ.ટી અને ફાર્મા જોકે, અપવાદ છે અને તેમને તો રૂપિયાના અવમૂલયનથી સીધો ફાયદો છે. જાણકારોના કહેવા પ્રમાણે ભારતીય ગ્રાહકલક્ષી બજાર એટલું મોટું અને વ્યાપક છે કે દેશ વિદેશની કંપની તેમ જ રોકાણકાર તેને અવગણી શકે તેમ નથી. આમ લાંબા ગાળાને ધ્યાનમાં રાખતા ભારતીય અર્થતંત્રના વિકાસમાં કોઈ મોટી અડચણ આવે તેવું જણાતું નથી. બીજું કે જે ભારતીય બજારને સમર્પિત (ઇન્ડિયા ડેડીકેટેડ ફંડ્સ) લાંબા ગાળાનું ધ્યાનમાં લઈને પછીજ પૈસા રોકતા હોવાથી આવા ફંડ્સ પણ સારા શૅર ભેગા કરવા સતત પ્રયત્નશીલ હોય છે જે પણ બજારને નીચા મથાળે ટેકો પૂરો પાડવાનું કામ કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer