પેસેન્જર વ્હિકલ્સનું અૉગસ્ટમાં વેચાણ 2.46 ટકા ઘટયું

નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
અૉગસ્ટમાં એટલે કે સતત બીજા મહિને પેસેન્જર વ્હીકલનું વેચાણ ઘટયું હતું. કેરળમાં આવેલા વિનાશક પૂરને કારણે તેમ જ ગયા વર્ષના ઊંચા બેઝને લીધે અૉગસ્ટમાં વાહનોનું વેચાણ 2.46 ટકા ઘટીને 2,87,186 યુનિટનું થયું હતું. ગયા વર્ષે જીએસટીને લીધે વેચાણ વધ્યું હોવાથી બેઝ ઊંચો ગયો હતો અને તેને કારણે જુલાઈ, '18માં પણ પેસેન્જર વ્હિકલનું વેચાણ  2.71 ટકા ઘટીને 2,90,960 યુનિટ થયું હતું. તેની પહેલાંના સતત નવ મહિના સુધી વેચાણ વધ્યું હતું.
જીએસટી 2017ના જુલાઈથી અમલી બન્યો હતો. એટલે ગયા વર્ષે ખરીદદારોએ કારના ભાવ ઘટવાની અપેક્ષાએ ખરીદી મોકૂફ રાખી હતી. એટલે મે અને જૂનમાં વેચાણ ઘટયું હતું. પરંતુ જુલાઈથી સતત વધ્યું હતું. અૉગસ્ટ, 2018માં પેસેન્જર કારનું વેચાણ 10.3 ટકા ઘટયું હતું તો યુટિલિટી વ્હિકલ્સનું વેચાણ 7.11 ટકા ઘટયું હતું.
સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચર્સના ડિરેક્ટર જનરલ માથુરના જણાવ્યા મુજબ ટુ-વ્હીલર માટે પશ્ચિમ બંગાળ મહત્વનું માર્કેટ છે અને માસિક વેચાણમાં લગભગ 45,000 યુનિટનો હિસ્સો ધરાવે છે. આ રાજ્યમાં વેચાણ ઘટીને 17,000 યુનિટ રહ્યું હતું. 2017ના અૉગસ્ટમાં 18,91,685 ટૂ-વ્હીલરનું વેચાણ થયું હતું તો ચાલુ વર્ષના અૉગસ્ટમાં કુલ 19,46,811 ટૂ-વ્હીલરનું વેચાણ થયું હતું. અૉગસ્ટ, '17માં કમર્શિયલ વ્હીકલનું વેચાણ 65,350 રહ્યું હતું. જે ચાલુ વર્ષના અૉગસ્ટમાં 84,668 યુનિટ નોંધાયું હતું.
થ્રી-વ્હીલર્સનું વેચાણ પણ 22.83 ટકા વધીને 63,199 યુનિટ થયું હતું જે અૉગસ્ટ, 2017માં 11,451 યુનિટ હતું.
સમગ્ર અૉટો ઉદ્યોગનું કુલ વેચાણ 23,81,931 યુનિટનું થયું હતું જે અૉગસ્ટ, '17માં 23,02,902 યુનિટનું રહ્યું હતું. તો ઉત્પાદન 26,37,076 યુનિટ સામે 6.79 ટકા વધીને 28,16,161 યુનિટ થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer