કોલોરાડો-ગુજરાત વચ્ચે ઊર્જા ક્ષેત્રે ભાગીદારી માટે કરાર

કોલોરાડો-ગુજરાત વચ્ચે ઊર્જા ક્ષેત્રે ભાગીદારી માટે કરાર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 સપ્ટે.
અમેરિકાના કોલોરાડો રાજ્યના ઊર્જા વિભાગના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજ્યમાં વ્યુહાત્મક ભાગીદારી રચવા યુએસ-ઇન્ડિયા સ્ટેટ અને અર્બન ઇનિશિયેટીવ હેઠળ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલની મુલાકાત લીધી હતી. હાલમાં જ 1000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટસ સ્થાપવા માટે એક્સ્પ્રેશન અૉફ ઇન્ટરેસ્ટ એટલે કેઇરાદા પત્રકો મંગાવાની કામગીરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં અમેરિકાની સોલાર કંપનીઓને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ઊર્જાપ્રધાને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલી  સ્કાય નામની સૌર ઊર્જા યોજનામાં કોલોરાડો પ્રતિનિધિ મંડળ ને સહભાગી થવા જણાવ્યું હતું. 
ઊર્જાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પવન-સૌર ઊર્જાની સંયુક્ત નીતિ જાહેર કરવામાં આવી છે. ટૂંક સમયમાં ગુજરાત સરકાર આશરે કુલ 5000 મેગાવોટની અંદાજિત વીજ ક્ષમતાના 4થી 5 સોલાર પાર્ક વિકસાવવાનું આયોજન કરી રહી છે. ગુજરાત આવા નિદર્શન માટે યોગ્ય પસંદગી છે કારણ કે ગુજરાત પાસે ખીબ જ મોટા પ્રમાણમાં ખારી બિનઉપયોગી જમીન ઉપલબ્ધ છે.
  તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યમાં ઇલેક્ટ્રી વ્હીકલ સ્ટ્રેટેજી બિઝનેસ પાર્ટનરશીપ કરવાની અમુલ્ય તક છે કારણ કે આ વિશાળ ક્ષેત્રના વિકાસ થકી વાહનો માટે વપરાતા આયાતી ક્રૂડઅૉઇલનું ભારણ ઘટાડી શકાશે. ઊર્જા પ્રધાને ઊર્જા સંશોધન વિકાસ ક્ષેત્રે કોલોરાડો અને પીડીપીયુ તથા અન્ય સંશોધન સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થી વિનિયમની ખૂબ જ ઊંચી સંભાવના હોવાનું જણાવ્યું હતું.
કોલોરાડાના પ્રતિનિધિમંડળમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર, કોલોરાડો એનર્જી અૉફિસ (સીઇઓ), સીઇઓના પૉલિસી એનાલિસ્ટ, કોલોરાડો અૉફિસ અૉફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ (ઓઇડીઆઇટી), નેશનલ રિન્યુએબલ એનર્જી લેબોરેટરી (એનઆઇઇએલ), સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ),  પુબ્લો કાઉન્ટી, યુનિવર્સિટી અૉફ કોલોરાડો, રોકી માઉન્ટેન ઇસ્ટિટયૂટ, એક્સેલ ઊર્જા અને કોલોરાડો સ્કૂલ અૉફ માઇન્સના પ્રતિનિધિઓ જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer