ડૉલરની નબળાઈથી સોનામાં નજીવો સુધારો

ડૉલરની નબળાઈથી સોનામાં નજીવો સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 સપ્ટે.
ડોલરની તેજીએ થાક ખાતા નરમાઇ વચ્ચે સોનામાં સુધારો હતો. જોકે અમેરિકા ચાલુ મહિનાની બેઠકમાં વ્યાજદર વધારે તેવી શક્યતા ઊંચી દેખાતી હોવાથી સોનાનો સુધારો મર્યાદિત રહ્યો છે. ન્યૂ યૉર્કમાં 1207 ડોલરના સ્તરે સોનું હતું. વધીને 1209 સુધી ગયું હતું. 
ડોલર ઇન્ડેક્સ દોઢ મહિનાના તળિયે ગયો હતો. અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતાં ધીમી ગતિએ વધ્યો છે અને વિકસતાં જતાં અર્થતંત્રોમાં રિકવરી આવી રહી હોવાથી ડોલર ઉપર અસર થઇ હતી. સાક્સો બૅન્કના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેનસેન કહે છે, ડોલરની નબળાઇને લીધે સોનાને ટેકો મળ્યો છે, પણ હજુ તેજી શરૂ થાય તેવા કોઇ સંકેતો નથી. અમેરિકી ફેડની બેઠક મળે ત્યાં સુધી સોનાના ભાવ અથડાઇ જાય તેવી શક્યતા છે. 
રોકાણકારો સપ્ટેમ્બરની બેઠકમાં 25 બેઝિસ પોઇન્ટનો વ્યાજદર વધારો થશે તેવું માને છે. બેઠક 25 અને 26 સપ્ટેમ્બરે મળવાની છે. એ પછી ડિસેમ્બરમાં વ્યાજદર વધશે તેવી ગણતરી મંડાય રહી છે. વ્યાજદર વધવાના સંજોગમાં ડોલરના મૂલ્યમાં તેજી જળવાઇ રહે તેમ છે એટલે સોનામાં તેજી થવી મુશ્કેલ છે.
એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો ગુરુવારે 0.4 ટકા ઘટીને 41 લાખ ઔંસ જેટલી થઇ ગઇ હતી. એપ્રિલમાં અનામતો રેકર્ડબ્રેક ઉંચાઇ ઉપર હતી. ન્યૂ યૉર્કમાં ચાંદીનો ભાવ ઔંસદીઠ 14.20 ડોલરની સપાટીએ હતો.
રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂા. 30ના સુધારામાં રૂા. 31,580ની સપાટીએ હતું. ચાંદી એક કિલોએ રૂા. 150 ઘટતા રૂા. 37,300 હતી. મુંબઇ સોનું રૂા. 110 વધી રૂા.30,710 અને ચાંદી રૂા. 36,595ની સપાટીએ સ્થિર હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer