વૈશ્વિક સમીકરણોથી કચ્છના સ્ટીલ ઉદ્યોગમાં તેજી

વૈશ્વિક સમીકરણોથી કચ્છના સ્ટીલ ઉદ્યોગમાં તેજી
નિકાસ વધી અને ભાવો પણ 20 ટકા જેટલા વધ્યા : એકાદ વર્ષમાં ઉત્પાદન ક્ષમતા વધારવા કંપનીઓ સજ્જ
 
અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીધામ, તા. 14 સપ્ટે.
લાંબા સમયથી મંદીના ઓછાયા હેઠળ ગૂંગળાતો કચ્છનો સ્ટીલ ઉદ્યોગ હવે ફરી ધબકતો થઇ ગયો છે. વૈશ્વિક વેપારી મંચ પર રૂપિયાના હૂંડિયામણ દરમાં ઘટાડો અને વિશ્વની બજારોમાં સ્ટીલની માગમાં ઉછાળાએ આ ઉદ્યોગને અનિવાર્ય એવો આર્થિક ટેકો પૂરો પાડવાની સાથોસાથ ઉત્પાદન ક્ષમતા વધારવા માટેની તાકીદની જરૂરત પ્રત્યે સભાન બનાવ્યો છે.
છેલ્લા છ મહિનાથી સ્ટીલ ક્ષેત્રે આવેલી તેજીને લીધે ભાવો તો વધ્યા જ છે, સાથેસાથે કચ્છમાં મહિને અંદાજે એક લાખ ટનની ઉત્પાદન ક્ષમતાને આગામી એક વર્ષમાં બેવડી કરવા માટે વિવિધ ઉત્પાદક કંપનીઓએ અત્યારથી ચક્રો ગતિમાન કર્યાં છે.   
છેલ્લા કેટલાક સમયથી ડૉલર સામે ઘટતા જતા રૂપિયાની અસરો સામે આવી રહી છે. પરંતુ નિકાસલક્ષી ઉદ્યોગો અને વેપાર ગૃહોને આ સ્થિતિમાં ફાયદો રહેતો હોવાના અર્થતંત્રના સરળ સિદ્ધાંતની દૃષ્ટિએ કચ્છના સ્ટીલ  ઉત્પાદક એકમો માટે ખરા અર્થમાં ફાયદાકારક અને વિશ્વાસપાત્ર માહોલ ખડો થયો છે.   
કચ્છમાં વિનાશક ભૂકંપ બાદ વિવિધ ઉદ્યોગો અહીં કાર્યરત થયા હતા. આ ઉદ્યોગોમાં સ્ટીલ ઉત્પાદનના એકમો પણ નોંધપાત્ર હતા. હાલ પાંચેક જેટલી કંપનીઓ કચ્છમાં સ્ટીલ ઉત્પાદનની સારી એવી ક્ષમતા અને નામના ધરાવે છે.   
તકને પારખીને સ્ટીલ ઉદ્યોગ સ્થાપનારા પ્રથમ કચ્છી ઉદ્યોગપતિ શેખરભાઇ અયાચીનો આ સંદર્ભમાં સંપર્ક સાધતાં તેમણે કહ્યંy કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશોમાંથી સ્ટીલની માગ સતત વધી રહી છે. રૂપિયો સસ્તો થતાં નિકાસ વધુ ફાયદાકારક બની છે. વળી, ઘરઆંગણાના માળખાકીય પ્રોજેક્ટમાં પણ સ્ટીલની માગ સતત વધી રહી છે. આ બધા સંજોગોને લીધે સ્ટીલ ઉદ્યોગ તેજી અનુભવી રહ્યો છે.  
ભાવો પણ 20 ટકા જેટલા વધ્યા છે. મહિને એકાદ લાખ ટન સ્ટીલની ઉત્પાદન ક્ષમતા ધરાવતા કચ્છના સ્ટીલ એકમોએ ઉત્પાદનમાં વધારો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિને 15 હજાર ટનની ક્ષમતા ધરાવતા શેખરભાઇની નીલકંઠ સ્ટીલ એક વર્ષમાં આ ક્ષમતા 30 હજાર ટને પહોંચાડશે.   
દરમિયાન, સ્ટીલ ઉદ્યોગોની સુધરેલી હાલત અંગે અન્ય કારણો ભૂમિકા ભજવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યંy છે. અગાઉ ચીનની કંપનીઓ બિલેટ અને સળિયા બહુ મોટા પ્રમાણમાં ભારતમાં નિકાસ કરતી હતી, પણ એક તરફ વૈશ્વિક માગ વધવાની સાથોસાથ ચીનમાં ઘરઆંગણે પ્રદૂષણ અને પર્યાવરણને લગતા ગંભીર પ્રશ્નોને લીધે ચીનમાં ઉત્પાદન ઘટયું  છે, તો તુર્કી પર અમેરિકાએ પ્રતિબંધ લાદતાં ત્યાંની કંપનીઓનું ઉત્પાદન પણ  બંધ જેવું થઇ ગયું છે. તુર્કીની કંપનીઓ બહુ મોટાપાયે સ્ટીલના ક્રેપનો આયાત કરતી હતી તે હવે બંધ છે. આમ, ક્રેપ જેવા રો મટિરિયલની માગ ઘટતાં તેના ભાવો કાબૂમાં છે, તો બીજી તરફ તૈયાર સ્ટીલની માગ સામે ઉત્પાદન ઘટતાં કચ્છ સહિત ભારતના ઉત્પાદકો ભારે ઉત્સાહમાં છે.   
ચીનના બિલેટ્સની ઉપલબ્ધિ ઘટતાં વિશ્વના મોટા ઉત્પાદકો હવે ભારતમાંથી આયાત કરતા થયા છે. આ બધા સંજોગો જોતાં આવતાં બેથી ચાર વર્ષ સ્ટીલ ઉદ્યોગો માટે ખરા અર્થમાં વિકાસના બની રહેશે એવી આશા આ ઉદ્યોગ જગત અને વેપારીઓને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer