ઈસરો જાસૂસી કેસ અનુચિત ધરપકડ બદલ વિજ્ઞાનીને રૂા. 50 લાખનું વળતર

ઈસરો જાસૂસી કેસ અનુચિત ધરપકડ બદલ વિજ્ઞાનીને રૂા. 50 લાખનું વળતર
નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
ઈસરોના ભૂતપૂર્વ અધિકારી વિજ્ઞાની નામ્બી નારાયણનને `ગેરવાજબી ધરપકડ અને સતામણી' બદલ સર્વોચ્ચ અદાલતે રૂા. 50 લાખનું વળતર અપાવ્યું છે. ઈસરો જાસૂસી કેસમાં પોતાની ખોટી ફસામણી બદલ કેરળના પોલીસ અધિકારીઓ સામે નારાયણને નોંધાવેલી ફરિયાદની તપાસ માટે ન્યાયમૂર્તિ ડી. કે. જૈનના અધ્યક્ષપદે એક સમિતિ નીમવાની પણ અદાલતે જાહેરાત કરી હતી.
અદાલતની નિગરાની હેઠળની તપાસ માટે પોતે તૈયાર હોવાનું સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યા પછી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશો એ. એમ. ખાનવિલકર અને ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
ઈસરોમાં કામ કરતા નામ્બી નારાયણનની 30 નવેમ્બર, 1994ના રોજ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે એમને નિર્દોષ જાહેર કર્યા હતા.
નારાયણને સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવા બદલ તે વખતના ડીજીપી સી. બી. મેથ્યુઝ અને એસપી કે. કે. જોશુઆ અને એસ. વિજયનને શિક્ષા થવી જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer