માલ્યાને લોન અપાવનારા નેતાઓ અને બાબુઓ પર ત્રાટકશે સીબીઆઈ

માલ્યાને લોન અપાવનારા નેતાઓ અને બાબુઓ પર ત્રાટકશે સીબીઆઈ
નવી દિલ્હી, તા. 14 સપ્ટે.
યુપીએના શાસન દરમિયાન વિજય માલ્યાની કિંગફિશર ઍરલાઈન્સને જાહેર ક્ષેત્રની બૅન્કો પાસેથી મોટી રકમની લોનો અપાવવામાં નાણાં ખાતાના અધિકારીઓ અને કેટલાક પ્રધાનોની ભૂમિકા વિશે સીબીઆઈ તપાસ કરશે.
સીબીઆઈએ નાણાં મંત્રાલય પાસેથી કેટલાક દસ્તાવેજો મેળવી લીધા છે અને હાલમાં તેમનો અભ્યાસ કરાઈ રહ્યો છે. તે વખતના કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ ચૂકી છે અને તપાસનો વ્યાપ વિસ્તરશે તેમ તેમ વધુ પૂછપરછ થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
સીબીઆઈની તપાસ મુખ્યત્વે વિજય માલ્યાના ઘરેથી દરોડા દરમિયાન મળી આવેલા પત્રવ્યવહાર અને ઈ-મેલ પર કેન્દ્રિત થશે. મોટા ભાગની ઈ-મેલ વિજય માલ્યા અને તેમના નાણાકીય સલાહકારો એ. કે. રવિ નેદુન્ગાડી, હરીશ ભટ અને એ. રઘુનાથન વચ્ચેની છે.
સીબીઆઈએ 2008થી 2013 સુધીના સમયના એક લાખથી વધુ ઈ-મેલ કબજે કર્યા છે. તેમાં વડા પ્રધાન કાર્યાલય, નાણાં મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય સાથેના ઈ-મેલનો સમાવેશ થાય છે.
સીબીઆઈ ખાસ કરીને તે વખતના જોઈન્ટ સેક્રેટરી (બૅન્કિંગ) અમિતાભ વર્માની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે. વિજય માલ્યાએ 26 માર્ચ, 2009ના રોજ રવિ નેદુન્ગાડીને લખ્યું હતું કે `અમિતાભે સ્ટેટ બૅન્કની મિટિંગમાં શું થયું તે જાણવા મને ફોન કર્યો હતો. મેં તેને વિગતવાર માહિતી આપી અને ભાર દઈને કહ્યું કે 31 માર્ચ સુધીમાં રૂા. 500 કરોડની તાત્કાલિક ચુકવણી થઈ જાય તે જરૂરી છે. એણે કહ્યું કે એણે મિ. ભટ સાથે વાત કરી છે અને આ નાણાં મળી જશે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer