ખેડૂતોને પાકના ઘાસ, સાઠીકડાનો યોગ્ય ઉપયોગ કરવાની સલાહ

ખેડૂતોને પાકના ઘાસ, સાઠીકડાનો યોગ્ય ઉપયોગ કરવાની સલાહ
ખડના ઉપયોગથી જમીન વધુ ઊપજાઉ બને છે
 
નવી દિલ્હી, તા.14 સપ્ટે.
કૃષિ પ્રધાન રાધા મોહન સિંઘે ખેડૂતોને સલાહ આપી છે કે પાકના શેષ ભાગ-ખડનો નવી પદ્ધતિથી યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ, જેમાં કચરામાંથી બાયોગૅસના ઉત્પાદનનો પણ સમાવેશ છે. પાકના શેષ ભાગના વ્યવસ્થાપન માટે સરકાર પણ ખેડૂતોને નાણાકીય પીઠબળ આપી રહી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને એનસીઆરમાં આ યોજના અંતર્ગત રૂા.11.52 અબજની જોગવાઈ કરી છે. 
કેન્દ્ર સરકાર ખડના સંચાલન માટે મશિનરીઓમાં 50થી 80 ટકા સબસિડી પ્રદાન કરે છે, જેથી ખેડૂતો શેષ ભાગને માટી સાથે મિશ્ર કરીને વઘુ ઉત્પાદકતા મેળવી શકે, એમ પણ તેમણે કહ્યું હતું. કૃષિ યાંત્રિકરણ અંતર્ગત સ્ટ્રો રેક, સ્ટ્રો બૅરલ, લોડર વગેરેમાં 40 ટકા સબસિડી પ્રદાન કરવામાં આવે છે. ઉપરાંત સરકારની કૃષિ-રિસર્ચ સંસ્થા ઈકરાના બે કેન્દ્રો- લુધિયાના (પંજાબ) અને આણંદ (ગુજરાત)એ ડાંગરના શેષ ભાગમાંથી બાયોગૅસનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ સ્થાપ્યો છે. 
સિંઘે ઉમેર્યું કે, ખેતરમાં પાકના શેષ ભાગથી માટી વધુ ઊપજાઉ બને છે, પરિણામે ખેડૂતોને પ્રતિ હૅક્ટર રૂા. 2000ની બચત થાય છે. પાકના શેષ ભાગમાંથી પેલેટ બનાવવાથી તેનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન માટે થાય છે. શેષ ભાગમાંથી પેલેટ બનાવીને તેની ગાંસડી બનાવવામાં આવે છે, જેથી તેની હેરફેર કરવામાં અને ઊર્જા ઉત્પાદન પ્લાન્ટ્સમાં સરળતા રહે. આ વર્ષના અૉગસ્ટ સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસીટી અૉથોરિટીએ શેષ ભાગમાંથી 114.08 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કર્યું છે. આ વર્ષથી એનટીપીસીએ તેમના બદરપુર પ્લાન્ટમાં કચરામાંથી વીજળીનું ઉત્પાદન શરૂ કર્યું છે. પવન ઊર્જા અને સૌર ઊર્જાને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer