ખાદ્યાન્નની પ્રાપ્તિ પ્રક્રિયામાં ખાનગી કંપનીઓ ભાગ લઈ શકશે

ખાદ્યાન્નની પ્રાપ્તિ પ્રક્રિયામાં ખાનગી કંપનીઓ ભાગ લઈ શકશે
વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ સાથે ખેડૂતોને ટેકાના ભાવની ખાતરી માટે નવી નીતિને મંજૂરી
 
નવી દિલ્હી, તા.14 સપ્ટે.
તેલીબિયાંના ભાવ લઘુતમ ટેકાના ભાવથી નીચા જાય તો ખેડૂતોને નુકસાની વળતર આપવાના હેતુથી પ્રધાનમંડળે નવી પ્રાપ્તિ  નીતિ મંજૂર કરી છે. તેમ જ પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્રને પણ પરવાનગીની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંડળની મિટિંગમાં આ બાબતે નિર્ણય લેવાયો હતો. પ્રધાનમંડળે ખાદ્યાન્નની પ્રાપ્તિની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ખાનગી કંપનીઓને મંજૂરી આપી છે અને ખેડૂતો પોતાના ઉત્પાદન લઘુતમ ટેકાના ભાવે વેચી શકે તે સુનિશ્ચિત કરવા માટે રૂા. 31,603 કરોડની બે યોજનાઓ મંજૂર કરી છે.
આ વર્ષના બજેટમાં સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને ટેકાના ભાવની ખાતરી આપવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કરવામાં આવશે. આ બાબતે નીતિ આયોગને કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને રાજ્યો સાથે પરામર્શ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, નવી પ્રાપ્તિ યોજનામાં કૃષિ મંત્રાલયનો પ્રસ્તાવ -`અન્નદાતા મૂલ્ય સમરક્ષણા'ને પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો હતો. આ નવી નીતિ અંતર્ગત જ્યારે બજાર ભાવ ટેકાના ભાવથી નીચા જાય ત્યારે ખેડૂતોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકારોને વિવિધ વિકલ્પો પૂરા પાડવામાં આવશે. 
તેલીબિયાંના ખેડૂતોના હિતોના રક્ષણ માટે મધ્યપ્રદેશ સરકારના ભાવાંતર ભુગતાન યોજના જેવી `પ્રાઈસ ડેફિસિયન્સી પેમેન્ટ (પીડીપી) તૈયાર કરવામાં આવી છે. પીડીપી અંતર્ગત તેલીબિયાંના હોલસેલ બજારમાં ટેકાના ભાવ અને માસિક સરેરાશ ભાવ વચ્ચેના ફરકની ચૂકવણી સરકાર ખેડૂતોને કરશે. રાજ્યમાં 25 ટકા તેલીબિયાંના ઉત્પાદન ઉપર આ લાગુ પડશે. ઉપરાંત રાજ્યોને તેલીબિયાંની પ્રાપ્તિ માટે ખાનગી કંપનીઓનો સમાવેશ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. 
સૂત્રોનું કહેવું છે કે, સરકાર આયાત ઉપર વધુ નિર્ભર રહેવા નહીં માગતી હોવાથી તેલીબિયાંને સ્થાનિક ધોરણે ટેકો આપવામાં આવી રહ્યો છે. નવી નીતિ અંતર્ગત રાજ્યો વર્તમાન પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) નક્કી કરી શકશે, જે પછી કેન્દ્રીય એજન્સીઓ ટેકાના ભાવની નીતિ મુજબ જણસોની પ્રાપ્તિ  કરશે. ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે એ માટે રાજ્યોને પીએસએસ, પીડીપી અથવા ખાનગી ક્ષેત્રને પ્રાપ્તિ માટે સમાવેશ કરવાના વિકલ્પ પુરા પાડવામાં આવશે. 
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)એ તાજેતરમાં જ વેલફેર સ્કીમ્સ અને રાશનની દુકાનો દ્વારા ચોખા અને ઘઉંની ટેકાના ભાવે પ્રાપ્તિ  કરી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે આ જણસોની પ્રાપ્તિ માટે માર્કેટ ઈન્ટરવેન્શન સ્કીમ (એમઆઈએસ) અમલમાં મૂકી છે, જે નાશવંત છે અને ટેકાના ભાવ અંતર્ગત આવતી નથી. ટેકાના ભાવની નીતિ અંતર્ગત સરકારે ખરીફ અને રવિ મોસમમાં ઉગતા 23 પાકો સૂચિત કર્યા છે. 
ભારત વાર્ષિક 1.4-1.5 કરોડ ટન ખાદ્યતેલની આયાત કરે છે, જે કુલ સ્થાનિક માગમાં 70 ટકા પૂરી પાડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer