વરસાદ ખેંચાતાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય

વરસાદ ખેંચાતાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય
20 દિવસ સુધી 20,000 ક્યુસેક પાણી છોડાશે, ખેતીને લાભ થશે, પીવાનાં પાણીની સમસ્યા નહીં સર્જાય

અમારા પ્રતિનિધિ તરફથી
ગાંધીનગર,તા. 14 સપ્ટે.
વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને બચાવવા રાજ્યની એક લાખ 27 હજાર એકર જમીનને નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી 20 દિવસ સુધી 20,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 
સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 11 પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલ લગભગ 400 તળાવો, સુજલામ્ સુફલામ્ નહેર અને ધરોઈ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશ: નર્મદાનું પાણી અપાશે. જેનાથી 40,000 એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત ફતેવાડી અને ખારીકટ પિયત વિસ્તારમાં નર્મદાના પાણી આપી ઊભા પાકને બચાવવાનો નિર્ણય કરતાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે 62,000 એકર વિસ્તારને લાભ મળશે.
 સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના 1200 ક્યુસેક પાણીનું વહન કરીને આજી-1, મચ્છુ-2, વડોદ, આકડિયા, ભીમદાદ ગોમા જેવા બંધોમાં ક્રમશ: નર્મદાનું પાણી પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે 25,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાના પાણીનું સંકટ ટળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer