વેપારયુદ્ધની ચિંતાએ સોનામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 સપ્ટે.
વૈશ્વિક સોનાના ભાવમાં સામાન્ય સુધારો હતો. અમેરિકા ચીનના માલ ઉપર જકાત નાંખવાના નિર્ણયમાં મક્કમ છે એ કારણ ઉપર ડૉલરમાં તેજી રહેવાથી સોનું 1201 ડૉલરના સ્તરે હતું. વેપારયુદ્ધ મામલે બન્ને દેશો વચ્ચે ચિંતાનો માહોલ છે. જોકે, અમેરિકાને ડયૂટીને લીધે લાભ થશે તેવી શક્યતા વચ્ચે ડૉલરમાં તેજી છે. ટ્રમ્પે કહ્યું હતું કે 200 અબજ ડૉલરના માલ ઉપર 10 ટકા જકાત લાગી શકે છે. ચીનનો પ્રતિસાદ જોયા પછી 267 અબજ ડૉલરના વધારાના સામાન ઉપર પણ અમેરિકા જકાત નાખવા મક્કમ છે. જોકે, સોનામાં સલામત રોકાણ માટેની માગ ઠીક ઠીક સારી હોવાથી 1200 ડૉલરની આસપાસ અથડાઇ ગયું છે. 
ડૉલરની તેજી, વ્યાજદર વધવાનો ભય અને વેપારયુદ્ધને કારણે સોનાના વાયદાઓમાં સટ્ટાકીય પોઝિશનોમાં મોટાં પાયે ઘટાડો જોવા મળ્યો છે. સટ્ટાકીય પોઝિશનો 2001 પછીના તળિયે છે. નવા અઠવાડિયામાં ફેડની બેઠક મળવાની છે તેમાં હવે વ્યાજર વધે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે. વ્યાજદર વધે તો સોનામાં 1180 ડૉલર સુધીનો ઘટાડો આવી શકે છે. જોકે, ન વધે તો સોનું 1210 આસપાસ રહે તેમ જણાય છે. ડૉલરની વધઘટ સોના ઉપર સૌથી વધારે પ્રભાવ પાડશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 100 વધીને રૂા. 31,600 અને મુંબઈમાં રૂા. 210 વધતા રૂા. 30,960 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 14.21 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોના રૂા. 250 સુધરીને રૂા. 37,650 હતા. મુંબઈ ચાંદી રૂા. 290 વધીને રૂા. 36,990 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer