એચડીએફસી બૅન્કે ટેક્નૉલૉજીના ઉપયોગ વડે 250 સમન્સ મોકલ્યા

નવી દિલ્હી, તા. 18 સપ્ટે.
એચડીએફસી બૅન્કે કોમ્પલાઈન્સને નહીં અનુસરનારા ગ્રાહકોને ઈ-મેઈલ અને વોટ્સએપ મારફતે 250 સમન્સ મોકલ્યા છે. બૅન્કનું માનવું છે કૉમ્યુનિકેશનના નવા માધ્યમથી કેસની પતાવટ ઝડપી થશે.
બૅન્કના એક અધિકારીએ કહ્યું કે, ``એચડીએફસી બૅન્કે દેશની વિવિધ કોર્ટને કૉમ્યુનિકેશન માટે ડિજિટલ માધ્યમ અપનાવવા જણાવ્યું છે જેમાં નોટિસ અને સમન્સને ઈ-મેઈલ અને વોટ્સએપ મારફતે મોકલવાની બાબતનો સમાવેશ છે જેથી કેસની પતાવટ ઝડપથી કરવામાં મદદ કરશે.''
અધિકારીએ કહ્યું કે દેશમાં 60 લાખ ચેક બાઉન્સિંગના કેસનો નિકાલ બાકી છે અને એચડીએફસી બૅન્કે કોર્ટને સમન્સ ડિજિટલ માધ્યમથી મોકલવાની વિનંતી કરવામાં નેતૃત્વ લીધું છે.
અધિકારીએ કહ્યું કે, ``બૅન્કે ઈ-મેઈલ અને વોટ્સએપ મારફતે સમન્સ મોકલવાનું શરૂ કર્યું છે. ઘણી વાર ગ્રાહકો પોસ્ટ દ્વારા મોકલેલા સમન મલ્યા હોવાનો ઈનકાર કરી દે છે. એવું પણ બને છે કે લોકો તેમના ઘર બદલે છે પણ સામાન્ય રીતે તેમના ઈમેઈલ આઈડી, મોબાઈલ ફોન નંબર બદલાતા નથી. તેથી આ માર્ગ અસરકારક છે એવું અમારું માનવું છે.'' સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ એમિકસ ક્યુરેઈએ તમામ ચેક બાઉન્સ કેસની ક્લોઝર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવાની ભલામણ કર્યા પછી બૅન્કે આ પદ્ધતિ અપનાવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer