સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના શ્રીગણેશ

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના શ્રીગણેશ
સૌરાષ્ટ્રમાં 800-1000 ગૂણી આવવા લાગી : મહિનામાં તીવ્ર આવક થશે : નવા પાકને પાણીની અતિ આવશ્યકતા
 
રાજકોટ, તા.18 સપ્ટે.
અમારા પ્રતિનિધિ તરફથી
પાછોતરા વરસાદની ખેંચ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે ગરમી પડવા લાગતા નવી મગફળી ખેતરોમાંથી ઉપડીને બજારમાં આવવા લાગી છે. રાજકોટમાં 150 ગુણી અને ગોંડલમાં આશરે 700-800 ગુણી આવે છે. એ સિવાયના નાના મોટાં સેન્ટરોમાં કુલ મળીને બે હજાર ગુણી આવવા લાગી છે. વરસાદ ન પડે તો મહિનામાં ચિક્કાર આવક થશે. ટૂંકમાં હવે એકાદ મહિનામાં જ નાફેડના માલ ખપવાનું સાવ ઓછું થઇ જશે. આ વખતે સાડા ચારથી પાંચ લાખ ટન મગફળી નાફેડ પાસે પેન્ડિંગ રહી જવાનો અંદાજ છે. મગફળીની માફક કપાસની નવી આવક પણ સૌરાષ્ટ્રમાં 9-10 હજાર મણ સુધી પહોંચી ગઇ છે. આગોતરો કપાસ હળવદમાં સૌથી વધારે આવે છે. એ સિવાય સાવરકુંડલા, અમરેલી, રાજકોટ અને વાંકાનેરમાં પણ આવી રહ્યો છે. 
ગોંડલના એક જાણકાર તેલ મિલર કહે છે, મગફળી આગોતરા વાવેતરની 37 અને 45 નંબરના બિયારણની ઓરવેલી છે. હજુ મુખ્ય પાક બજારમાં આવવાનું બાકી છે. અલબત્ત મગફળીના પાકને એક વરસાદની અતિશય જરૂર છે. વરસાદ ન પડે તો ઉતારામાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ છે. 
ગુજરાતમાં મગફળીનું વાવેતર પાછલા વર્ષના 16.15 લાખ હેક્ટર સામે 14.67 લાખ હેક્ટર રહ્યું છે. વાવેતર ઓછું છે પણ સાથે હવે ઉતારો ઘટે તો પાકમાં ગાબડું પડશે. બીજી તરફ વરસાદ પડે તો સિઝન થોડી મોડી પડશે.
નવી મગફળીનો ભાવ મણે રૂા.800 - 1000 વચ્ચે ચાલે છે. રિટેઇલમાં ઓળા તરીકે ખાવા માટે નવી મગફળીની ધૂમ માગ છે એટલે ઘણા ખેડૂતો ઉતાવળે વેંચવા માંડયા છે. પ્રવર્તમાન સમયે જૂનાગઢ અને ભાદરકાંઠાના ખેતરોના માલ આવે છે.
નવી મગફળીની આવક મહિનામાં નિયમિત અને સારી પેઠે થવા લાગશે. એ પછી નાફેડની મગફળીની ખપત થવાની નથી. નાફેડના માલના સોદા ક્વિન્ટલે રૂા. 3735-3750ની આસપાસ થાય છે. સંસ્થા પાસે સાડા પાંચ લાખ ટન જેટલી મગફળી પડયાનો અંદાજ છે. એમાંથી આશરે સાડા ચાર લાખ ટન પડતર રહી જાય તેમ છે. 
પાણીની ખેંચથી ઉત્પાદન ઘટવાનો ભય
પાછોતરા વરસાદની ખાધને લીધે ખરીફ પાકોમાં ઉતારા ઘટી જવાનો ભય છે. અૉગસ્ટ મધ્યથી એકપણ વરસાદ ગુજરાતમાં થયો નથી એટલે મગફળી, કપાસ અને કઠોળના પાકોમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઘટશે. કૃષિ ખાતાએ કપાસના પાકનો આગોતરો અંદાજ 88.28 લાખ ગાંસડી વ્યક્ત કર્યો છે. પાછલા વર્ષ કરતા તે 14 ટકા ઓછો છે. સરકારે નર્મદાનું પાણી છોડયું છે પણ તેનો લાભ સૌરાષ્ટ્રમાં નહીંવત મળશે.  કપાસનું વાવેતર 26.58 સામે 27 લાખ હેક્ટર થયું છે પણ પાણીની તંગી ઉત્પાદન ઘટાડી શકે છે. 
કઠોળના પાકનો આગોતરો અંદાજ ગયા વર્ષના 5.23 સામે 4.37 લાખ ટન મુકાયો છે. મગફળીનો અંદાજ 38 લાખ ટન સામે 27 લાખ ટનનો મુકવામાં આવ્યો છે. જોકે, હજુ પણ પંદરેક દિવસમાં વરસાદ પડી જાય તો પાકને લાભ થશે. ઉતારા સુધરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer