વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઈ વિરુદ્ધ 28 સપ્ટેમ્બરે ``ભારત વ્યાપાર બંધ''''

વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઈ વિરુદ્ધ 28 સપ્ટેમ્બરે ``ભારત વ્યાપાર બંધ''''
વેપારીઓની ``સંપૂર્ણ ક્રાંતિ રથયાત્રા'' 28 રાજ્યોમાં ફરશે : 90 દિવસમાં 22,000 કિલોમીટરનું અંતર કાપશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 સપ્ટે.
વૉલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા ડીલ અને રિટેલમાં એફડીઆઈને અપાયેલી મંજૂરીના વિરોધમાં કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સે આવતી 28 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત વ્યાપાર બંધની હાકલ કરી છે ત્યારે સરકાર આ સંબંધમાં શું પ્રતિસાદ આપે છે તેના પર બધાની મીટ છે.
 વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ અને છૂટક વેપારમાં સીધા વિદેશી મૂડીરોકાણ સામેની પોતાની લડાઈ શરૂ કરતા કોન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સે (સીએઆઈટી) નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી 90 દિવસની રાષ્ટ્રીય રથયાત્રાનો `સંપૂર્ણ ક્રાંતિ રથયાત્રા'ના નામથી પ્રારંભ કર્યો હતો.
મોટા ભાગનાં રાજ્યોમાંથી પસાર થયા બાદ આ રથયાત્રા 16 ડિસેમ્બરના રામલીલા મેદાન, દિલ્હી ખાતે `જંગ રૅલી'માં ફેરવાઈ જશે.
સીએઆઈટીના વરિષ્ઠ વાઈસ પ્રેસિડેન્ટ બ્રજમોહન અગ્રવાલ, દિલ્હી હિન્દુસ્તાની મર્કેન્ટાઈલ ઍસોસિયેશનના પ્રમુખ અરુણ સિંઘાનિયા અને સીએઆઈટીના સેક્રેટરી સંજય પટવારીએ રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પીઢ વ્યાપારી આગેવાનો હાજર રહ્યા હતા.
સીએઆઈટીએ વૉલમાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઈની વિરુદ્ધમાં 28મી સપ્ટેમ્બરના `ભારત ટ્રેડ બંધ'ની પણ હાકલ કરી છે. આ દિવસે દેશભરના સાત કરોડ જેટલા વ્યાપારી પ્રતિષ્ઠાનો બંધ પાળશે.
સીએઆઈટીના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે એવી માહિતી આપી હતી કે વૉલમાર્ટ ડીલ અને રિટેલમાં એફડીઆઈ વિરુદ્ધ ઘરે ઘરે જઈને કેમ્પેન ચલાવવામાં આવશે. યાત્રા 28 રાજ્યો, 120 જેટલાં મુખ્ય શહેરો અને 500 નાનાં શહેરોને આવરી લેશે અને 22 હજાર કિલોમીટર જેટલું અંતર કાપશે. દેશના એક કરોડ લોકો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે.
સીએઆઈડીએ વૉલમાર્ટ ડીલને રદ કરવા સરકારના હસ્તક્ષેપની માગણી કરતાં જણાવ્યું હતું કે તે સરકારની 2016ની પ્રેસનોટ 3નો ભંગ કરે છે. વૉલમાર્ટ બાદ હવે એમેઝોન અને અલીબાબા આવી જ ડીલ કરવાના માર્ગો શોધી રહ્યા છે. ભારતીય ઈ-કૉમર્સ માર્કેટમાં આવી કેટલીક કંપનીઓની ઈજારાશાહી ચલાવી લેવામાં આવશે નહીં.
જીએસટીને સરળ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવશે. 90 દિવસના આ અભિયાન દરમિયાન રાજ્યોના ટ્રેડ ઍસોસિયેશનો વિરોધ પરિષદો, બેઠકો, દેખાવો યોજશે. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પણ આ રથયાત્રા દરમિયાન ઉઠાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer