``વ્હીટ બ્લાસ્ટ''''ના ઉપદ્રવથી ઘઉં ઉત્પાદક દેશોમાં ખળભળાટ

``વ્હીટ બ્લાસ્ટ''''ના ઉપદ્રવથી ઘઉં ઉત્પાદક દેશોમાં ખળભળાટ
રોગથી બચવા વૈજ્ઞાનિકોની તૈયારીનો આરંભ

નવી દિલ્હી, તા. 18 સપ્ટે.
સામાન્ય રીતે અનાજમાં વ્હીટ બ્લાસ્ટ (ફૂગ) નામનો સંક્રામક રોગ થતો હોય છે. પરંતુ એની બ્રાઝિલમાં પ્રથમવાર અસર દેખાઈ છે. ત્યાંથી તે ફૂગ બોલિવિયા અને પેરુગ્વેમાં પહોંચી છે.
કૃષિ વૈજ્ઞાનિકોના જણાવવા મુજબ ગરમ અને ભેજવાળા વિસ્તારમાં આ ફૂગ ઝડપથી ફેલાવાની સંભાવના હોય છે. એથી દુનિયાના બધા જ વૈજ્ઞાનિકો સજાગ થયા છે.
અનાજની આ ઘાતક બીમારીને પ્રતિરોધી પ્રજાતિ જલદી વિકસાવવાનો વૈજ્ઞાનિકોનો પ્રયાસ  રહ્યો છે. સાથે રોગ પ્રભાવિત ક્ષેત્રોને મર્યાદિત કરાય જેથી તેનો ફેલાવો થતો અટકે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિક પ્રોફેસર એન. કે. સિંહે જણાવ્યું હતું કે આ પડકારનો સામનો કરવા માટે મેક્સિકોની નોર્મન બોર લૉગ ઘઉં અનુસંધાન સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે સમન્વય કરી રહી છે. વૈજ્ઞાનિકોની એક ટુકડી વ્હીટ બ્લાસ્ટ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રોગ પ્રતિરોધી પ્રજાતિ વિકસાવવા મંડી પડયા છે.
વ્હીટ બ્લાસ્ટ જેવી સંક્રમક બીમારીથી દુનિયાના ઘઉં ઉત્પાદક દેશોમાં ચિંતા સર્જાઈ છે. ફંગસથી ફેલાતા આ રોગના નિવારણ માટે તૈયારીઓ વૈશ્વિક સ્તરે શરૂ થઈ છે. યૂજી-99 રોગ પછી આ બીજો સૌથી મોટો ખતરો ઘઉં જેવા મુખ્ય પાક માટે સર્જાયો છે. પાડોશી દેશ બાંગ્લાદેશ સુધી વ્હીટ બ્લાસ્ટની ફૂગ મેગનાપોર્ટે ઓરિ જ સુધી પહોંચવાના સંકેત બાદ ભારત સરકાર અને કૃષિ વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે. આને પરિણામે બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલાં 10 કિ.મી. સુધી ઘઉંની ખેતી પર મનાઈ ફરમાવી છે અને આવા કોઈપણ પ્રકારના પડકારનો ઉકેલ લાવવા સીમા પરના જિલ્લાઓમાં 10 કિ.મી. અંદર સુધી સખત દેખરેખ રખાઈ રહી છે. પૂર્વની હદે આવેલા પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાઓમાં ઘઉંના વાવેતર પર પ્રતિબંધ મુકાયો છે. જોકે પૂર્વના અન્ય રાજ્યોમાં ઘઉંનો પાક લેવાતો નથી. પરંતુ, થોડાક ખૂડતો ઘઉંના પાકનું વાવેતર કરે છે. તેઓને વૈકલ્પિક અને વધુ લાભપ્રદ પાક માટે મદદ કરાઈ રહી છે.
આવા ખેડૂતોને નાણાકીય મદદ આપવા માટે કેન્દ્ર સરકારે રૂા. 90 કરોડની સહાયતા કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે બાંગ્લાદેશની સરકારને પણ પોતાની સીમાથી 10 કિ.મી. અંદર સુધી ઘઉંની ખેતી કરવા પર પાબંદી લગાવી દે એવી ભલામણ કરી છે અને ખેડૂતોને યોગ્ય બિયારણ તથા અન્ય સહાય કરવાનો પ્રસ્તાવ રખાયો છે.
યૂજી-99ની બીમારી યુગાંડાથી શરૂ થઈ હતી. જે માટે વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર કામ કર્યું હતું અને આ રોગ અફઘાનિસ્તાન સુધી પહોંચ્યો હતો. આ માટે ભારતીય વૈજ્ઞાનિકોએ તત્પરતા દર્શાવી અને દેશમાં તેની પ્રતિરોધ પ્રજાતિનું બિયારણ વ્યાપક પ્રમાણમાં તૈયાર કર્યું હતું.
ભારતીય વૈજ્ઞાનિકોની કામગીરીની પ્રશંસા વૈશ્વિક સ્તરે થઈ હતી. હવે ઘઉંના પાકમાં આ રોગના નિવારણની તૈયારીઓનો પણ આરંભ કરાયો છે અને આ રોગપ્રતિરોધી બિયારણ તૈયાર કરવાની વૈજ્ઞાનિકોના પ્રયાસ રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer