બૅન્ક શૅર્સમાં તેજી છતાં બજારમાં ખુશીનો અભાવ

બૅન્ક શૅર્સમાં તેજી છતાં બજારમાં ખુશીનો અભાવ
રૂપિયાના ઘસારાને પગલે ફાર્મા અને એફએમસીજી શૅર્સમાં મધ્યમગાળે મજબૂતીની સંભાવના
 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 18 સપ્ટે.
દિવસના કામકાજ આટોપતી વખતે ભારે વેચવાલીને પગલે મંગળવારે સેન્સેક્ષ 294.84 પોઈન્ટ ઘટીને 37,290.67 તેમ જ નિફ્ટી 98.85 પોઈન્ટ ઘટીને 11,278.90ની સપાટીએ બંધ નોંધાયો હતો. રૂપિયાના ઘસારા ઉપરાંત તેલનો સૌથી મોટો નિકાસકાર દેશ સાઉદી અરેબિયાની બેરલદીઠ 80 ડૉલરથી ઊંચા ભાવે બ્રેન્ટ અૉઈલ યોગ્ય હોવાના નિવેદનને પગલે શૅરબજારનો મૂડ અૉફ થઈ ગયો હતો. ક્રૂડતેલના વધતા જતા ભાવને પગલે ભારતના આયાત ખર્ચ ઉપર ઊભા થયેલા દબાણને કારણે રૂપિયો વધુ તૂટયો હતો. અમેરિકાએ ચીનના 200 અબજ ડૉલરના માલ ઉપર નવાં ટેરિફ લાદવાની જાહેરાતથી પણ શૅરબજારનાં સેન્ટીમેન્ટ કથળ્યાં હતાં. ફુગાવામાં ઘટાડો, ચાલુ ખાતાની ખાધ ઘટાડવા સરકારની આશાસ્પદ નીતિઓ અને જાહેરક્ષેત્રની બૅન્કોને મજબૂત બનાવવા આડેના અવરોધો દૂર થવા લાગ્યા હોવા છતાં આ બધાં પરિબળો બજારને ખુશ કરી શક્યાં ન હતાં. જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીઝના રિસર્ચ વિભાગના વડા વિનોદ નાયર જણાવે છે કે તેલ અને અમેરિકાના વ્યાજ દરના વધારાને કારણે ફેલાયેલી અરાજકતાના દબાણ હેઠળનાં વૈશ્વિક બોન્ડ અને હૂંડિયામણ બજારમાં એકવાર સ્થિરતા આવશે તે પછી જ શૅરબજારની સ્થિતિ હળવી બનશે.
સેન્સેક્ષના સાત શૅર વધીને તેમ જ 24 ઘટીને તેમ જ નિફ્ટીના નવ શૅર વધીને અને 41 શૅર ઘટીને બંધ નોંધાયા હતા. સૂચકાંકોમાં કડાકાનાં મુખ્ય કારણોમાં રૂપિયાના ઘસારા અને ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉપરાંત બૅન્ક શૅર્સમાં મોટી વેચવાલી પણ જવાબદાર હતી. મંગળવારે જાહેર તેમ જ ખાનગી બંને પ્રકારની બૅન્ક્સના શૅર્સમાં મોટા પાયે વેચવાલી નીકળી હતી અને સૂચકાંકોને તોડવામાં આ શૅર્સનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો. સોમવારે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ત્રણ બૅન્ક્સ - વિજયા બૅન્ક, બૅન્ક અૉફ બરોડા અને દેના બૅન્કના મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર બૅન્ક્સના ઉજ્જ્વળ ભાવિ માટે હોવા છતાં કેટલીક અન્ય બૅન્ક્સના શૅર્સમાં પણ વેચવાલી નોંધાઈ હતી અને શૅર્સ તૂટયા હતા. 
મર્જરની જાહેરાત બાદ બીએસઈમાં દેના બૅન્કના શૅરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. શૅર સેન્સેક્ષમાં સૌથી વધુ વધેલો શૅર હતો. દિવસના કામકાજને અંતે દેના બૅન્કનો શૅર 19.75 ટકા વધીને રૂા. 19.10એ બંધ નોંધાયો હતો. બૅન્ક અૉફ બરોડાના શૅર્સ માટે પણ મર્જરના સમચાર સારા ન હતા. તેનો શૅર 16.03 ટકા ઘટીને રૂા. 113.45એ બંધ નોંધાયો હતો. 
વિજય દીનાનાથ બરોડા બૅન્ક : ચોક્કસ બૅન્ક શૅર્સમાં તેજીનું કારણ 
એનએસઈમાં પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ પાંચ ટકા વધ્યો હતો. જાહેર ક્ષેત્રની ત્રણ બૅન્કોના મર્જરને બજારે વિજય દીનાનાથ બરોડા બૅન્કના ઉપનામથી વધાવ્યું પરંતુ એકંદર બજારમાં કડાકો થયો. આમ છતાં જાહેર ક્ષેત્રની કેટલીક ચોક્કસ બૅન્કોના શૅર્સમાં ભારે તેજી જોવા મળી હતી. દેના બૅન્કના શૅરમાં 20 ટકા તેજી જોવા મળી હતી, કેમકે તેને સૂચિત મર્જરથી ઘણો લાભ થશે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કોર્પોરેશન બૅન્ક, યુકો બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને યુનાઈટેડ બૅન્ક જેવી અન્ય નબળી બૅન્કોના શૅર્સમાં પણ વધ્યા હતા. આ નબળી બૅન્કોના શૅર્સમાં તેજીનું કારણ એ હતું કે આ બૅન્ક્સ આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) ફ્રેમવર્કમાં સામેલ છે. પીસીએ હેઠળ આરબીઆઈએ 11 બૅન્ક્સ આવરી લીધી છે, જેમાં બૅન્ક અૉફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક અૉફ ઇન્ડિયા, અલ્લાહાબાદ બૅન્ક, આઈડીબીઆઈ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક અૉફ કૉમર્સ, બૅન્ક અૉફ મહારાષ્ટ્ર અને યુનાઈટેડ બૅન્ક પણ સામેલ છે. 
પરંતુ કેટલીક અગ્રણી બૅન્કોના શૅર્સ ગગડયા હતા. બૅન્ક અૉફ બરોડાનો શૅર 15 ટકા ઘટયો હતો. તે પછી યુનિયન બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કેનેરા બૅન્ક અને સિન્ડેકેટ બૅન્કના શૅર્સમાં છથી આઠ ટકાનો કડાકો હતો. પંજાબ નેશનલ બૅન્ક અને સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના શૅર્સ ચાર ટકા કરતાં વધુ ઘટયા હતા.
બજારના ખેલાડીઓનું કહેવું છે કે મર્જરની જાહેરાતને પગલે નબળી નાણાંકીય સ્થિતિ ધરાવતી નાની બૅન્કોને સારી સ્થિતિ ધરાવતી મોટી બૅન્કો સાથે ભેળવી દેતાં હજુ વધુ કોન્સોલિડેશન જોવા મળશે. ગયા વર્ષે પાંચ બૅન્કોને એસબીઆઈમાં મર્જર કરાઈ હતી. વિશ્લેષકોના મતે જાહેર ક્ષેત્રની મજબૂત બૅન્ક કેનેરા બૅન્કમાં બૅન્ક અૉફ ઇન્ડિયા, પીએનબી અને યુનિયન બૅન્કને મર્જ કરાય તેવી શક્યતા છે. કોટક સિક્યોરિટીઝનું માનવું છે કે સરકાર વધુ મર્જર હાથ ધરતાં પહેલાં એકાદ બે વર્ષ રાહ જોશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer