મહેન્દ્ર વેદ
`દેવકરણ નાનજી' આ નામ આપણને કેટકેટલી યાદ આપી જાય છે? આપણામાંથી કેટલા એ જાણે છે કે દેના બૅન્ક, વિજયા બૅન્ક અને બૅન્ક અૉફ બરોડા આ ત્રણ જાહેર ક્ષેત્રની બૅન્કોના મૂળિયાં ક્યાં છે? આ ત્રણેય બૅન્કોના ઉદ્ભવમાં ગઈ સદીના વેપારી સાહસિકોની દૂરંદેશી હતી.
વર્ષ 1938માં દેવકરણ નાનજી પરિવારે દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીના નામે `દેના બૅન્ક'ની સ્થાપના કરી હતી. ડિસેમ્બર 1939માં તે પબ્લિક કંપની બની તેનું નામ `દેના' રાખવામાં આવ્યું. જુલાઈ 1969 સુધી આ નામ રહ્યું. ત્યાર બાદ ઇન્દિરા ગાંધીએ જે 13 ખાનગી બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું તેમાંની એક દેના બૅન્ક હતી. દેવકરણ નાનજીના ભાણેજ પ્રવીણચંદ્ર વી. ગાંધી સ્વયં દેના બૅન્કની વિશિષ્ટ ગાથાના અવિભાજ્ય અંગ છે. રાષ્ટ્રીયકરણ પહેલાં તેમણે દેના બૅન્કને દૂરંદેશીપણું અને ધંધાલક્ષી અભિગમ અપનાવી દેશની બૅન્કોમાં સાતમા સ્થાને પહોંચાડી હતી. બૅન્ક રાષ્ટ્રીયકરણ પહેલાં અને પછી સ્વ. પ્રવીણચંદ્રભાઈએ આ બૅન્કને 30 વર્ષ સુધી સેવા આપી હતી. રાષ્ટ્રીયકરણ પછી ખોટ કરતી આ બૅન્કનું `ટર્ન એરાઉન્ડ' કરી તેને નફો કરતી બૅન્ક બનાવી હતી. આ બૅન્કના જમા પાસાંમાં તેનું વિશાળ બ્રાન્ચ નેટવર્ક અને ગ્રાહકો સાથેનો ઘરોબો મુખ્ય ગણી શકાય. વેપારી ગ્રાહકોને સાચવી લેવાની વૃત્તિના કારણે આ બૅન્ક વેપારીઓમાં લોકપ્રિય બની હતી.
જોકે, છેલ્લે તેની લોન ડુબાડનારાને કારણે સમસ્યા એટલી હદે વકરી કે રિઝર્વ બૅન્કે તેની ઉપર પ્રોમ્પ્ટ કરેકટિવ ઍકશન (પીસીએ) હેઠળ આકરા નિયંત્રણો મૂકયા છે.
આ બૅન્કના સૂચિત મર્જર પછી જે નવી બૅન્ક બનશે તે વળી નવેસરથી ઇતિહાસ લખશે.
જોકે, આ ત્રણમાંની સૌથી જૂની બૅન્ક છે બૅન્ક અૉફ બરોડા, આની સ્થાપના બરોડાના રાજા - મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1908માં કરી હતી. બૅન્ક રાષ્ટ્રીયકરણ બાદ બીજી 10 બૅન્કોનું બૅન્ક અૉફ બરોડામાં વિલીનીકરણ કરવામાં આવ્યું અને સમયે કરવટ બદલતા હવે ખુદ તેનું વિલીનીકરણ થઈ જશે.
વિજયા બૅન્ક 1927થી 1930 સુધીની વૈશ્વિક મહામંદી પછી અમલમાં આવેલું એક મોટું નામ છે. આ બૅન્કનો હેતુ ખેડૂતો અને નાના વેપારીઓની સેવા કરવાનો હતો. એ. બી. શેટ્ટીએ ખેડૂતોના સમૂહને એકઠા કરી મેંગલુરુમાં 1931માં બન્ટ સમુદાયના ટોચના 14 અગ્રણીઓની મદદથી વિજયાદસમીના શુભ દિવસે આ બૅન્કની સ્થાપના કરી અને તેને વિજયા બૅન્ક નામ આપવામાં આવ્યું. જોવાનું એ છે કે આમાં કોઈ વ્યક્તિના નામને મહત્ત્વ અપાયું નથી.
બૅન્કોનું રાષ્ટ્રીયકરણ વિવાદાસ્પદ એક ક્રાંતિકારી પગલું ગણાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયકરણ બાદ બૅન્કના ટોચના સ્થાપક સભ્યોને ડિરેક્ટરપદ સોંપવામાં આવ્યું હતું. આ બૅન્કોનાં નામ, તેની તસવીરો અને સંપૂર્ણ બૅન્કિંગ પરંપરા હવે નવા રંગરૂપ ધારણ કરશે.
બે પીએસયુ બૅન્કમાં મર્જ થનારી દેના બૅન્કની વિશિષ્ટ ગાથામાં પ્રવીણચંદ્ર વી. ગાંધીનું નામ અવિભાજ્ય છે
