વિવિંગ ઉદ્યોગ મંદીમાં : પહેલીવાર વેકેશન પાળશે

ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિનો રજા પાળશે : 25 અૉક્ટોબરથી 21 નવેમ્બર સુધી વેકેશન
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 9 અૉક્ટો.
શહેરનાં કાપડઉદ્યોગમાં મંદીનો માહોલ ઘેરો થઈ રહ્યો છે. વિવર્સનાં જીએસટીનાં ક્રેડિટ રિફંડનાં મામલે ઉકેલ ન આવતા હવે ઉગ્ર આંદોલન છેડે તેવી સંભાવના છે. બીજી તરફ મંદીનાં કારણે ભીંસમાં મૂકાયેલાં વિવિંગ એકમોએ પહેલી વખત એક મહિનાનું લાંબુ વેકેશન પાળવાનો નિર્ણય કર્યો છે. 
સામાન્ય રીતે કાપડઉદ્યોગમાં માત્ર પાંચ જ દિવસનું વેકેશન પાળવામાં આવે છે. તેમાં પણ પાવરલુમ્સ યુનિટો બે દિવસથી વધુ બંધ રહેતાં નથી. મંદીનાં કારણે દિવસ-રાત ધમધમતાં પાવરલુમ્સનાં કારખાનાઓ હાલમાં એક પાળીમાં ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. શહેરનાં સાયણ વિવર્સ ઍસોસિયેશને વાર્ષિક સભામાં સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત વિવર્સ સભાસદોની હાજરીમાં 25મી અૉક્ટોબરથી 21મી નવેમ્બર સુધીનું વેકેશન જાહેર કર્યું છે.
ફેડરેશન અૉફ ગુજરાત વિવર્સ ઍસોસિયેશનનાં પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, ક્રેડિટ રિફંડ મામલે લેપ્સ શબ્દ ઉમેરીને વિવર્સ સાથે જીએસટી છેતરપિંડી કરવામાં આવી છે. નવસારીનાં સાંસદે એક સપ્તાહમાં આ પ્રશ્નો ઉકેલ લાવી દેવાની ખાત્રી આપી હતી. પરંતુ, હજુ સુધી કોઈ જ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. મંદીમાં ફસાયેલાં વિવર્સ ઉદ્યોગને બેઠો થવા માટે તાબડતોબ નાણાકીય કટોકટી દૂર થવા સાથે પ્રોત્સાહક પગલાંની આવશ્યકતા છે. સરકાર દ્વારા વિવિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહે તે પ્રકારનાં પ્રયાસો શરૂ કરાયા નથી. 
અમે સરકારને નવી કાપડનીતિમાં મહારાષ્ટ્રની તર્જ પર સસ્તા દરે વીજળી મળે તે માટેની રજૂઆત કરી છે. પરંતુ, હજુ સુધી આ પ્રશ્ને પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આમ છેલ્લાં ઘણાં સમયથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહેલાં વિવિંગ ઉદ્યોગે પહેલી વખત મોટું વેકેશન પાળવાનું નક્કી કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે, આગામી દિવસોમાં ક્રેડિટ લેપ્સ મુદે્ આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer