ઘી-માખણ ઉપરનો જીએસટી ઘટાડવાની માગ

પુણે, તા.9 અૉક્ટો.
પશુપાલકો અને ડેરી ઉદ્યોગે બટર અને ઘી ઉપરનો ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) ઓછો કરવાની માગ કરી છે. ઘી અને બટર ઉપર હાલ 12 ટકા જીએસટી છે. ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ આ બાબતે સરકારનું ધ્યાન ખેંચ્યું છે અને ત્વરિત પગલાં લેવા માટે વિનંતી કરી છે. 
એનસીપીના નેતા શરદ પવારે કહ્યું કે, જીએસટી દરમાં ઘટાડા કરવાની ડેરી ઉદ્યોગની માગણી પૂરી થઈ શકે એમ છે. ડેરી ઉદ્યોગે આ બાબતે મહારાષ્ટ્ર સરકાર સાથે વાત કરીને જીએસટી કાઉન્સિલ સમક્ષ આ વિષય રજૂ કરવો જોઈએ, જેથી જીએસટી ઘટીને 4-5 ટકાના સ્તરે આવે. 
મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકની ડેરીઓના કોલ્ડ સ્ટોરેજમાં એક લાખ ટન બટરનો સ્ટોક છે, જેનું મૂલ્ય $30,000 કરોડ જેટલું છે, એમ સોનાઈ ગ્રુપ તેમ જ ઈન્દાપુર ડેરી ઍન્ડ મિલ્ક પ્રોડકટ્સના સીએમડી દશરત માનેએ કહ્યું હતું. 12 ટકા જીએસટીને લીધે એક કિલો ઘી ઉપર પ્રતિ કિલો સરેરાશ $25 કર લાગે છે, જેથી સ્થાનિક બજારમાં વેચાણ નોંધપાત્ર ઘટયું છે. બે વર્ષ પહેલાં માગ વધુ હોવાથી ઘીની આયાત કરવી પડતી હતી જ્યારે હવે વેચાણ સતત ઘટી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. દૂધ ઉપર ટૅક્સ નહીં હોવાથી ઘીનું સેટઓફ થતું નથી. 
ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ તાજેતરમાં પુણે ખાતે કોનક્લેવમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. ગોવિંદ મિલ્ક ઍન્ડ મિલ્ક પ્રોડકટ્સના એમડી રાજીવ મિત્રાએ કહ્યું કે, ઘીનો વપરાશ ઘટયો છે અને ગ્રાહકો હવે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક ખાદ્ય તેલ તરફ વળ્યા છે. આયાત કરવામાં આવેલા ઘી ઉપર પાંચ ટકા જીએસટી છે જ્યારે ઘરઆંગણે ઉત્પાદન થયેલા ઘી ઉપર 12 ટકા જીએસટી છે. પરાગ મિલ્કના દેવેન્દ્ર શાહે કહ્યું કે, ગ્રાહકો ઊંચા જીએસટી કરને સ્વિકારીને ખરીદી કરશે પરંતુ છેવટે તો પશુપાલકોને નુકસાન થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer