ડૉલરની તેજી, વ્યાજદરના ફફડાટથી સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 અૉક્ટો.
ડૉલરની તેજી અને અમેરિકાના વ્યાજદરમાં વધારો થવાના સંકેતો વચ્ચે સોનામાં વેચવાલીનો દોર ચાલુ રહેતા નરમાઇ બીજા દિવસે ચાલુ રહી હતી. ન્યૂ યોર્કમાં 1186 ડૉલર પ્રતિ ઔંસનો ભાવ રાનિંગ હતો. સોમવારે દોઢ ટકાની મંદી હતી અને મંગળવારે પણ ઘટાડો ચાલુ રહેતા ગભરાટ વધ્યો હતો. યુરોપીય શૅરબજારોમાં વ્યાપક મંદી ચાલી રહી છે. તેની અસર એશિયામાં પણ છે. છતાં ગભરાટને લીધે સોનામાં સલામત રોકાણની માગ આવતી નથી.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવારે વૈશ્વિક આર્થિક વિકાસનો દર 2016 પછી પ્રથમ વખત નબળો રહેશે તેમ કહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી જકાતની લડાઇને લીધે વિકાસ ઉપર  અસર પડશે. ડેન્સ્ક બૅન્કના જેન્સ પેડરસન કહે છે, સોનાની બજાર માટે વ્યાજદર, બોન્ડના ઊંચા યિલ્ડ અને ડૉલરની મજબૂતી મૂળભૂત કારણો છે. આ ત્રણ કારણોને લીધે બજાર વધઘટ નોંધાવી રહી છે. આવનારા દિવસોમાં પણ આ જ કારણો ભાગ ભજવશે. ક્રૂડ તેલમાં તેજી છે છતાં ફુગાવા સામે હેજરૂપી ખરીદી આવતી નથી. કેટલાક વિશ્લેષકો એવું માને છે કે સોનાનો ભાવ 1200 ડૉલરની આસપાસ વધઘટ નોંધાવ્યા કરશે. મોટી તેજી કે મંદીનો અભાવ રહેશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 31,700ના સ્તરે હતો. મુંબઇ સોનું રૂા. 110 ઘટી જતાં રૂા. 31,205 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 14.27 ડૉલર હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 250ના ઘટાડામાં રૂા. 38,600 હતી. મુંબઇમાં ચાંદી રૂા. 315ના ઘટાડામાં રૂા. 37,860 રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer