દેશના પ્રથમ અૉનલાઈન કૉમોડિટી એક્સ્ચેન્જ

એનએમસીઈના મર્જરથી હિતધારકોને લાભ મર્જર આઈસીએક્સને પણ ફળ્યું, વિવિધ વાયદા માટે દ્વાર ખૂલ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9 અૉક્ટો.
કૉમોડિટીમાં કામકાજ ધરાવતાં કેટલાંક કોર્પોરેશન્સ અને સરકારી એજન્સીઓએ સાથે મળીને દેશનું સૌપ્રથમ અૉનલાઈન, ડિમ્યચ્યુઅલાઈઝ્ડ કૉમોડિટી એક્સચેન્જ નેશનલ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ અૉફ ઇન્ડિયા (એનએમસીઈ) 26મી નવેમ્બર, 2002ના રોજ શરૂ કર્યું હતું અને પહેલીવાર 24 જણસોમાં સોદા નોંધાવ્યા હતા. જુલાઈ, 2016 સુધી તેલ અને તેલીબિયાંથી માંડીને રબર, કંતાન, કાચું શણ, કૉફી, ઈસબગુલનાં બી, ચણા, મરી અને એલચી સહિત વિવિધ 13 જણસોમાં વાયદાનાં કામકાજ થતાં હતાં. વર્ષ 2009માં ચોથા કૉમોડિટી એક્સચેન્જ ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જ (આઈસીએક્સ)એ સ્પર્ધામાં ઝુંકાવ્યું, પરંતુ વર્ષ 2014માં તેણે કામકાજ બંધ કર્યાં. તે પછી જુલાઈ, 2017માં એનએમસીઈ અને આઈસીએક્સ મર્જર માટે સંમત થયા અને ગયા મહિને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બંને એક્સચેન્જના મર્જર માટે 1:10ના સ્વેપ રેશિયોને મંજૂરી આપી. 
અમદાવાદસ્થિત એનએમસીઈનું ધ્યેય ખેડૂતોને વધુ વળતર અપાવવાનું અને વિશિષ્ટ જણસોમાં હેજર્સને રિસ્ક મૅનેજમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતું. રબર, કોપરું, કંતાન અને કાચું શણ જેવી વિશિષ્ટ જણસોમાં વાયદાના વેપારને કારણે એનએમસીઈને ભારત વિશ્વના નકશા ઉપર ચર્ચાવા લાગ્યું હતું. ખાસ કરીને રબરના વેપાર માટે તે શાંઘાઈના એસએફઈ, ટોક્યોના ટોકમો અને સિંગાપોરના સિકોમ જેવા અગ્રણી એક્સચેન્જ સાથે સ્પર્ધા કરી રહ્યું હતું.
એક્ષચેન્જનું ટર્નઓવર વર્ષ 2003-04માં રૂા. 47,369 કરોડથી 10 ગણું વધીને વર્ષ 2009-10માં રૂા. 4,55,803 કરોડ થયું હતું. સૌથી વધુ ટ્રેડિંગ કૃષિ જણસોમાં થતું, જ્યારે મેટલના વાયદા 22 ટકા અને બુલિયનના નવ ટકા ફાળો ધરાવતા. વર્ષ 2011-12માં બિનકૃષિ વાયદાનું પ્રમાણ વધીને 50 ટકા થયું હતું, જેમાં 41 ટકા મેટલ અને નવ ટકા બુલિયનનો ફાળો હતો. આ સમયે એક્સચેન્જનાં વોલ્યુમ રૂા. 5,36,702 કરોડની સૌથી ઊંચી ટોચે નોંધાયા હતા. સૌથી વધુ ટ્રેડિંગ રબરમાં હતું. તેમાં પાંચમી જાન્યુઆરી, 2011ના રોજ એક જ દિવસમાં રૂા. 272 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. 
એક્સચેન્જના એમડી અને સીઈઓ અનિલ મિશ્રાએ જણાવ્યું કે એનએમસીઈએ નવેમ્બર, 2009માં સૌપ્રથમવાર સોનાની ગીનીના ડિલિવરેબલ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યા હતા. તેણે મુથૂટ ગ્રુપ સાથે મલ્ટિપલ ડિલિવરી સેન્ટર્સ શરૂ કરવા જોડાણ કર્યું હતું. ડિસેમ્બર, 2009માં આ કોન્ટ્રાક્ટનાં 100 સભ્યોના 4.28 લાખ ટ્રેડ દ્વારા રૂા. 591 કરોડનાં વિક્રમી વોલ્યુમ નોંધાયાં હતાં. કોઈન્સની સૌપ્રથમ ડિલિવરી દેશના 12 શહેરોમાં હાથ ધરાઈ હતી.
મિશ્રા ઉમેરે છે કે કૉમોડિટીઝમાં ફ્યુચર્સ ક્ષેત્રે કેટલીક પહેલનો યશ એનએમસીઈને ફાળે જાય છે. આ એક્સચેન્જે સૌપ્રથમ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં અદ્યતન ટેકનૉલૉજી અપનાવી. અમે વેરહાઉસ રિસિપ્ટ ફંડિંગ મોડેલ લાવ્યા, જેને વ્યાપક સફળતા મળી. 
વર્ષ 2011માં અગાઉના નિયામક ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)એ એક્સચેન્જના સ્થાપક-પ્રમોટર કૈલાશ ગુપ્તાને રૂા. 28 કરોડની છેતરપિંડી માટે દોષી ઠેરવ્યા તે પછી એક્સચેન્જને ગ્રહણ લાગ્યું. મૅનેજમેન્ટના ટોચના અધિકારીઓએ અસર પામેલા સભ્યોને રિફંડની ખાતરી આપીને વિશ્વાસ પુન:સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સભ્યોની સંખ્યાને ફટકો પડયો. તે પછીનાં વર્ષોમાં કૃષિ તેમ જ બિન-કૃષિ ક્ષેત્રે સોદા ઘટવાને કારણે ટર્નઓવર ઘટવા લાગ્યું.
વર્ષ 2013માં યુપીએ સરકારે બિન-કૃષિ વાયદા કારોબાર ઉપર સોદાના ભાવના 0.01 ટકા કૉમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ લાગુ કરતાં એક્સચેન્જને બીજો ફટકો પડયો. હેજર્સ, આર્બિટ્રેજર્સ અને ડે ટ્રેડર્સ માટે ટ્રેડિંગ નાણાકીય રીતે પરવડે તેવું ન રહ્યું. મિશ્રા કહે છે કે આ વેરો જાણે હેજર્સે જોખમનું સંચાલન કરવા ચૂકવવા પડતા વેરા જેવું હતું. તેનાથી એક્સચેન્જના બિઝનેસ ઉપર મરણતોલ ફટકો પડયો અને બિન-કૃષિ સેગમેન્ટમાં ટ્રેડિંગ સદંતર બંધ થઈ ગયું. કૉફી અને રબરના સોદા ઉપર પણ ઘેરી અસર પડી. એક્સચેન્જનું ટર્નઓવર વર્ષ 2011-12ની ટોચ ઉપરથી 86 ટકા ઘટીને રૂા. 72,080 કરોડ થયું.
શૅરબજાર નિયામક સેબી સાથે એફએમસીના મર્જર બાદ, સેબીએ એનએમસીઈ જેવાં નાનાં એક્સચેન્જને બચાવવાનું કાર્ય આરંભ્યું. તેણે એક્સચેન્જીસ માટે રૂા. 100 કરોડની નેટવર્થ ફરજિયાત બનાવી, જે એનએમસીઈ માટે મુશ્કેલ લક્ષ્યાંક હતું. છેવટે આઈસીએક્સ સાથેનું મર્જર એનએમસીઈ માટે જીવતદાન બન્યું અને તમામ હિતધારકો માટે લાભદાયક પણ રહ્યું. આ મર્જરને પગલે સેબીની ફરજિયાત નેટવર્થની શરત પૂરી થવાની સાથે સાથે ક્લિયરિંગ કોર્પોરેશન સ્થાપવાની જરૂરિયાત પણ પૂરી થઈ. 
11મી સપ્ટેમ્બર, 2018ના રોજ બંને એક્સચેન્જના મર્જર બાદ એનએમસીઈના વાયદા આઈસીઈએક્સ ઉપર ઈન્ટિગ્રેટ કરાયાં છે, જ્યારે ટેકનૉલૉજીનું ઈન્ટિગ્રેશન પણ ટૂંક સમયમાં પૂરું થશે. ગયા વર્ષે આઈસીએક્સે વિશ્વમાં સૌપ્રથમવાર ડાયમંડના વાયદા શરૂ કર્યાં હતા અને તાજેતરમાં જ તેણે સ્ટીલના વાયદા પણ શરૂ કર્યાં છે. એનએમસીઈ સાથેના મર્જરને પગલે હવે તેમાં કૃષિ જણસોના વાયદા પણ થઈ શકે છે. નવેમ્બરથી મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ અૉફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલા મેટ્રોપોલિટન ક્લિયરિંગ કોર્પોરેશન (એમસીસી)ની સેવાઓ પણ ઉપલબ્ધ બનશે. સભ્યોની ડિપોઝિટ અને સેટલમેન્ટ ગેરંટી ફંડ જેવાં ફરજિયાત ભંડોળ પણ એમસીસીને ટ્રાન્સફર કરાશે.
એનએમસીઈ અને આઈસીએક્સના મર્જર બાદ આઈસીએક્સે ગયા મહિને લૉન્ચ કરેલા સ્ટીલના વાયદામાં તીવ્ર વધારો નોંધાયો છે. સ્ટીલના વાયદાનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂા. 30 કરોડને પાર પહોંચ્યું છે.  બંને એક્સચેન્જના સભ્યો હવે બંને એક્સચેન્જિસમાં કામ કરી શકશે, છતાં તેમણે સભ્ય ફી, અૉડિટ ફી, વગેરે ડબલ નહીં ચૂકવવા પડે. નવા એક્સચેન્જમાં અનિલ અંબાણીનું નેતૃત્ત્વ ધરાવતી રિલાયન્સ કેપિટલ 19 ટકા સાથે સૌથી મોટી શૅરહોલ્ડર છે. અન્ય શૅરહોલ્ડર્સમાં એમએમટીસી, સીડબ્લ્યુસી, પંજાબ નેશનલ બૅન્ક અને બજાજ હોલ્ડિંગ છે. નવા એક્સચેન્જમાં 100થી વધુ સભ્ય સંખ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer