રાજ્યની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓમાં આવી રહ્યા છે સુધારા : ટૂંક સમયમાં વટહુકમ

ખરીફ પાકની પ્રાપ્તિ માટે 184 કેન્દ્રો ખૂલશે
 
મુંબઈ, તા. 9 અૉક્ટો.
રાજ્યની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓમાં (એપીએમસી) સુધારાની ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્ય પ્રધાન મંડળની આવતા સપ્તાહની બેઠકમાં આ સુધારાઓ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવશે અને પછીના 15 દિવસમાં તેનો અમલ કરવા વટહુકમ બહાર પાડવામાં આવશે.
રાજ્યના કૃષિ માર્કેટિંગ, એનિમલ હસબન્ડરી અને ફીશરીઝ ખાતાના પ્રિન્સિપલ સેક્રેટરી અનુપકુમારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે `એગ્રીકલ્ચર પ્રોડયુસ એન્ડ માર્કેટ લીવસ્ટોક મોડેલ એકટ' પ્રમાણે એપીએમસી બજારોમાં સુધારા કરવા અમારા પર કેન્દ્રનું દબાણ છે. ઈલેકટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઈ-નામ) અને ઈલેકટ્રોનિક કૃષિ બજાર સહિતના પગલાં વિચારાઈ રહ્યા છે, જે ખેડૂતો માટે ઘણાં ઉપયોગી પુરવાર થશે.
તેમણે કહ્યું હતું કે હાલના એપીએમસી એકટમાં એવી ઘણી જોગવાઈઓ છે, જે `ઈ-નામ' સાથે સુસંગત નથી. આથી તેમાં મોડેલ એકટ પ્રમાણે સુધારા કરવામાં આવશે. આગામી ખરીફ પાકની સિઝન માટે રાજ્યમાં પૂરતા પ્રાપ્તિ કેન્દ્રો ખોલવામાં આવશે અને બધા જ 355 તાલુકાઓને આવરી લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં અમે 184 પ્રાપ્તિ કેન્દ્રો ખોલવાનું આયોજન કર્યું છે.
ગત ત્રીજી અૉક્ટોબરથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને આ કેન્દ્રો તેમ જ પેટા કેન્દ્રોની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer