વિદેશી પેઢીઓને કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરવાની શરતી મંજૂરી

ઓછામાં ઓછી $ પાંચ લાખની નેટવર્થ જરૂરી 

મુંબઈ, તા. 9 અૉક્ટો.
કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં વિદેશી કંપનીઓને કામકાજ કરવાની છૂટ અપાઈ છે. જોકે, સેબીએ આપેલી મંજૂરી કેટલીક શરતોને આધીન છે.
કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરવા માટે લાયક વિદેશી પેઢીઓ (એલિજિબલ ફૉરેન ઍન્ટિટીઝ) માટે ઓછામાં ઓછી પાંચ લાખ ડૉલરની નેટવર્થ જરૂરી છે. પાત્રતા ધરાવતી વિદેશી પેઢી ઓછામાં ઓછી રૂા. 250 કરોડની નેટવર્થ ધરાવતા માન્યતાપ્રાપ્ત શૅરદલાલ (અૉથોરાઈઝડ સ્ટોક બ્રોકર)નો સહયોગ માટે સંપર્ક કરી શકશે. સેબીએ એક્સ્ચેન્જોને કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં વિદેશી પેઢીઓ માટે અન્ય માર્ગદર્શિકાઓ ઘડવાની સત્તા આપી છે.
સેબીએ એક્સ્ચેન્જો તેમ જ અૉથોરાઈઝડ સ્ટોક બ્રોકરોને વિદેશી પેઢીઓના ઊભા ઓળિયા પર નજર રાખવાની સૂચના આપી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિદેશી પેઢીઆને ખાંડ સહિતની સંવેદનશીલ ચીજવસ્તુઓમાં ઓળિયાં સુલટાવવા નહીં દેવાય.
પોતાના નિર્ણયને વાજબી ઠરાવતા સેબીએ કહ્યું હતું કે હાલમાં વિદેશી કંપનીઓ ભારતમાં ચીજવસ્તુઓની આયાત કે નિકાસ કરતી હોય તો પણ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરી શકતી નથી. આવી કંપનીઓ ભારતીય બજારમાં વિવિધ ચીજવસ્તુઓની લેવેચ કરતી હોવાથી સંબંધિત ચીજોની મૂલ્યશૃંખલામાં હિત ધરાવે છે તેથી તેમને ભારતીય બજારોમાં ભાવનું જોખમ કાપવાની પરવાનગી અપાય તે જરૂરી છે, એમ સેબીનો પરિપત્ર જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer