સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં ફફડાટ વચ્ચે ઉત્તર ભારતીયોમાં શાંતિનો માહોલ

સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં ફફડાટ વચ્ચે ઉત્તર ભારતીયોમાં શાંતિનો માહોલ
ઉદ્યોગ-ધંધા-કારખાનાં રાબેતા મુજબ : પોલીસ બંદોબસ્ત વધારાયો : હિજરત નહીં કરવા અગ્રણીઓની અપીલ
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 અૉક્ટો.
ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો ઉપર હુમલા અને વતન વાપસી ટોક અૉફ ધ સ્ટેટ બની ગયા છે. માસૂમ બાળા ઉપર બળાત્કાર પછી પરપ્રાંતીયો ખાસ કરીને યુ.પી.-બિહારના લોકો કે જે ગુજરાતના વિવિધ ધંધાઓમાં કામકાજ કરી રહ્યા છે. તેમને નિશાન બનાવાઇ રહ્યા છે, વતનભણી હિજરત કરી રહ્યા છે. અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે પરંતુ સૌરાષ્ટ્રમાં કોઇ હુમલા કે અનિચ્છનીય બનાવની ઘટના બની નથી. સુરત અને કચ્છમાં પણ સ્થિતિ સામાન્ય છે. વતનમાં હિજરત નહી કરી જવા અગ્રણીઓએ અપીલ શરૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં આઠ લાખ કરતાવધારે યુ.પી.-બિહારના લોકો રિફાઇનરી, શાપર, મેટોડા, ભક્તિનગર, મોરબી-વાંકાનેર સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ તથા જામનગર સહિતના નાના મોટાં શહેરોમાં કામકાજ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ક્યાંય હુમલા કે વતન વાપસીના કિસ્સા સામે આવ્યા નથી. જોકે, હવે ફફડાટનો માહોલ જરૂર છે. રાજકોટ પોલીસ દ્વારા આ મુદ્દે અગ્રણીઓ સાથે બેઠક પણ કરીને સલામતી જળવાશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ હસુભાઇ દવે કહે છે, સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક વાતાવરણ ઘણું શાંત છે. અમારી પાસે હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી. હિજરત પણ થઇ હોય તેવું જણાતું નથી. રાજકોટમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના મજૂરો કામકાજ કરી રહ્યા છે. એ સિવાયના ઉદ્યોગમાં સોની બજારમાં બંગાળી કારીગરો છે. ખેતીમાં પંચમહાલ અને ગોધરાના લોકો મજૂરી કરી રહ્યા છે.
જોકે, ફફડાટને લીધે હિજરત થવા લાગે તો આવનારા દિવસોમાં ઉદ્યોગ-ધંધામાં કામકાજ ઠપ થઇ જવાનો ભય છે.
ડાયમંડ અને ટેક્સ્ટાઈલ સિટી સુરતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ગઈકાલે વરાછા વિસ્તારમાં પરપ્રાંતીય લારીવાળાની ફ્રુટની લારી ઊંધી વાળી દીધાની એકલ-દોકલ ઘટના સિવાય સ્થિતિ કાબુમાં છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલાં  મોટાભાગનાં કામદારો વિવિંગ અને ડાઈંગ એકમોમાં કામ કરે છે. રાજ્યનાં વિવિધ ભાગોમાં પરપ્રાંતીયો પર હુમલાનાં સમાચાર સુરત શહેરમાં પણ વાયુવેગે ફેલાયા છે. પરંતુ, પોલીસે પહેલેથી જ સ્થિતિને નિયંત્રણમાં રાખવાનાં પ્રયાસો શરૂ કર્યા છે. શહેર પોલીસ કમિશનરે શહેરનાં પરપ્રાંતીય વસ્તીવાળા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. 
દક્ષિણ ગુજરાત પ્રોસેસર્સ ઍસોસિયેશનનાં પ્રમુખ જિતેન્દ્ર વખારિયા કહે છે કે, સુરતની પ્રજા સમરસતામાં માને છે. પૂરું સુરત શહેર બહારથી આવીને વસેલાં લોકોથી બન્યું છે. 12 લાખથી વધુ લોકો સીધી કે આડકતરી રીતે કાપડઉદ્યોગ સાથે સંકળાયેલાં છે. કાપડઉદ્યોગમાં આમ પણ મંદી ચાલી રહી છે. એવામાં લોકો પાસે જે કામ છે તેને વળગી રહીને ટકી રહેવામાં વ્યસ્ત રહેવાનું મુનાસિબ માને છે. જોકે, જે પ્રકારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલા વધ્યા છે તેને જો ઝડપથી કાબુમાં લેવામાં ન આવે તો લાંબાગાળે ધંધા-રોજગારને મોટું નુકસાન થાય તેમ છે. 
કચ્છમાં જનરલ મજદૂર સંઘના પ્રમુખ સંતોષ મિશ્રાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર વગેરેમાં અશાંતિનો માહોલ છે અને અહીંના લોકોના સગા પણ ત્યાં છે. ત્યારે અહીંના લોકોમાં પણ છૂપો ભય પ્રસર્યો છે અને આ શ્રમિકો પણ અહીંથી જવાની તૈયારીમાં છે. પરંતુ કચ્છની પ્રજા શાંતિપ્રિય છે અને અહીં આવું કાંઈ જ નથી. અહીં શાંતિ છે. 
ફોકિયાના એમ.ડી. એવા નિમિષભાઈ ફડકેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આપણો જિલ્લો સરહદી છે. અહીં નશીલાં દ્રવ્યો, શત્રો, પકડાવાના બનાવો બનતા હોય છે.
મોટાભાગની કંપનીઓ પણ સરહદની નજીકના ગામોની આસપાસ છે. ત્યારે પોલીસ દ્વારા ચોક્કસ અને વ્યવસ્થિત બી રોલિંગ થવું જોઈએ. જિલ્લામાં બે મુખ્ય બંદર હોવાથી તેમ જ અનેક મોટા ઉદ્યોગો, લાકડાંના બેન્સા, ટ્રાન્સપોર્ટ કંપનીઓનાં પગલે અહીં બહારથી આવનારા લોકોની વસ્તીમાં વધારો થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer