ગુજરાતમાં રૂનો પાક ઘટીને 95 લાખ ગાંસડી થવાનો અંદાજ

ગુજરાતમાં રૂનો પાક ઘટીને 95 લાખ ગાંસડી થવાનો અંદાજ
115 સામે 95 લાખ ગાંસડી પાક આવવાની કૉટન સીડ ક્રશર્સ ઍસોસિયેશનની બેઠકમાં ધારણા : દેશનું ઉત્પાદન 320-370 લાખ ગાંસડી રહેવાના વિવિધ અંદાજો
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 અૉકટો.
ગુજરાતમાં રૂનું ઉત્પાદન 17 ટકા ઓછું થવાની ધારણા છે. નવો પાક ગયા વર્ષના 115 લાખ ગાંસડી સામે 95 લાખ ગાંસડી કરતા વધારે નહીં આવે તેવી ધારણા રાજકોટમાં કોટન સીડ ક્રશર્સ ઍસોસિયેશનની શનિવારે મળેલી વાર્ષિક સભામાં વ્યક્ત થઇ હતી.
કડીના અગ્રણી જીનર દિલીપભાઇ પટેલે રૂના પાકનો અંદાજ મૂકતા કહ્યું હતુ કે, ગુજરાતમાં વાવેતર ગયા વર્ષથી થોડું વધારે હતું પણ પાછોતરા વરસાદની કમી સર્જાવાથી ઉતારા-ઉત્પાદન ઉપર અસર પડવાની છે. ભારતમાં રૂનું કુલ ઉત્પાદન 320થી 370 લાખ ગાંસડી વચ્ચે થવાના વિવિધ અંદાજો વ્યક્ત થયા હતા. પાછલા વર્ષમાં ખરેખર 380 લાખ ગાંસડી આવી હતી. ગઇકાલે કોટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાએ 348 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરી હતી. સંસ્થાએ ગુજરાત અંગે 90 લાખ ગાંસડીની ધારણા બાંધી છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોટન સીડ ક્રશર્સ ઍસોસિયેશનની સંયુક્ત સભા રાજકોટમાં યોજવામાં આવી હતી. રૂના પાક ઉપરાંત કપાસિયા વોશના ઉત્પાદનનો અંદાજ બેઠકમાં 3.36 લાખ ટનનો મૂકાયો હોવાનું કડી અૉઇલ મિલ ઍસોસિયેશનના પ્રમુખ પ્રહલાદભાઇએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યંy હતું કે, કપાસિયા વોશનો ભાવ રૂા. 640થી ઘટે તેવી શક્યતા નથી. વોશમાં ઉપરનો ભાવ રૂા. 750 સુધી સીમિત રહી શકે છે.
કપાસિયાનું ઉત્પાદન 25થી 30 ટકા ઘટીને 29.70 લાખ ટન થવાની ધારણા મૂકાઇ હતી. કપાસિયા ખોળનું ઉત્પાદન 23.57 લાખ ટન રહેશે તેવો અંદાજ હતો. ગુજરાતની જિનિંગ મિલો નવરાત્રિ બાદ ધીરે ધીરે શરૂ થઇ જશે તેવો આશાવાદ અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. કપાસિયામાં રૂા. 430-435નો તળિયાનો ભાવ થઇ શકે છે ત્યારે ખોળમાં રૂા. 950 (50 કિલો) તળિયું ગણાશે તેવા અંદાજો વહેતા થયા હતા.
ગુજરાત કોટનસીડ, અૉઇલ અને ખોળ ફટક દલાલ ઍસોસિયેશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલ કહે છે, કપાસિયા રૂા. 450થી નીચે જાય તેમ નથી. ખોળ બજાર પણ રૂા. 950થી ઘટે તેમ નથી. બેઠકમાં કપાસનો ઉતારો 12થી 15 મણ આવવાની ચર્ચા થતી હતી. ગયા વર્ષમાં 20થી 25 મણ સુધીના ઉતારા મળ્યા હતા.
બેઠકમાં ગુજરાત કોટનસીડ ક્રશર્સ ઍસોસિયેશનના પ્રમુખ દેવચંદભાઇ ઠક્કર, સૌરાષ્ટ્ર ઍસોસિયેશનના પ્રમુખ નટુભાઇ પટેલ અને પ્રફુલભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 700થી 800ની સંખ્યામાં જિનરો, વેપારીઓ, બ્રોકરો અને મિલરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer