સપ્ટે.માં તેલીખોળની નિકાસ 73 ટકા ઘટી

સપ્ટે.માં તેલીખોળની નિકાસ 73 ટકા ઘટી
અમદાવાદ, તા. 9 અૉક્ટો.
તેલીખોળની નિકાસ સપ્ટેમ્બર 2018માં 73 ટકા ઘટી હોવાનું સોલવન્ટ એક્સટ્રાક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સી)ના આંકડા દર્શાવે છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં તેલીખોળની નિકાસ 81,511 ટન થઈ હતી, જે ગત વર્ષના સમાન મહિનાના 2,98,182 ટનની સરખામણીએ 73 ટકા ઓછી છે. જોકે, એપ્રિલ-સપ્ટેમ્બર ગાળામાં નિકાસ 1,403,382 ટન હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના 1,284,788 ટનની સરખામણીએ નવ ટકા વધુ છે.  
આંકડા દર્શાવે છે કે નિકાસમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ દક્ષિણ કોરિયા હતું. દક્ષિણ કોરિયામાં સપ્ટેમ્બર 2018માં 10,037 ટન તેલીખોળની નિકાસ થઈ છે, જ્યારે સપ્ટેમ્બર 2017માં 89,856 ટન નિકાસ થઈ હતી. આમ 89 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેમ જ બાંગ્લાદેશમાં નિકાસ 92 ટકા અને વિયેટનામમાં 79 ટકા ઘટી હતી.
અગ્નિ એશિયા અને અન્ય દેશોમાં નિકાસ 2,32,379 ટનથી 73 ટકા ઘટીને 63,101 ટન થઈ છે. તેમ જ યુરોપ અને અન્ય પશ્ચિમી દેશોમાં નિકાસ 61,091 ટનથી ઘટીને 13,002 ટન થઈ છે. જોકે, સીએ સ્પષ્ટતા આપી છે કે આ આંકડાને અંતિમ ગણાય નહીં. 
દરમિયાન એપ્રિલ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રાયડાખોળની નિકાસ 6,01,105 ટન હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 3,00,627 ટન હતી. દક્ષિણ કોરિયા, વિયેટનામ અને થાઈલેન્ડમાં રાયડાખોળની નિકાસ વધી હતી, એમ સીએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer