પ્લાસ્ટિકનો વપરાશ વર્ષ 2050 સુધીમાં ક્રૂડ તેલની માગ વધારશે

પ્લાસ્ટિકનો વપરાશ વર્ષ 2050 સુધીમાં ક્રૂડ તેલની માગ વધારશે
લંડન, તા.9 અૉક્ટો.
મોટર ઈંધણના ઓછા વપરાશ સામે પ્લાસ્ટિક અને અન્ય પેટ્રોકેમિકલ્સ પ્રોડકટ્સના વપરાશથી તેલની વૈશ્વિક માગ વર્ષ 2050 સુધીમાં વધશે, એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ જણાવ્યું છે. 
પેરિસ સ્થિત આ એજન્સીનું કહેવું છે કે, ઓઈલ અને ગૅસમાંથી થતાં ઈમિશન અને પ્રદૂષણને અટકાવવા માટે સરકારના પ્રયાસો છતાં ભારત અને ચીન જેવા વિશાળ અર્થતંત્રમાં પેટ્રોકેમિકલ્સ પ્રોડકટ્સની માગ વધશે. પ્લાસ્ટિકની બોટલો, બ્યુટી પ્રોડકટ્સથી લઈને ખાતર અને વિસ્ફોટકોમાં પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. વર્ષ 2050 સુધીમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે તેલની માગ ઓછી થશે, કારણ કે ઈલેકટ્રિક વાહનોનું ચલણ વધ્યું હશે પરંતુ આ સામે પેટ્રોકેમિકલ્સની માગ વધશે, એમ આઈઈએના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 
આઈઈએ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે કહ્યું કે, આગામી ઘણા વર્ષો સુધી પેટ્રોકેમિકલ્સની માગમાં વૃદ્ધિ થતી રહેશે. વર્ષ 2030 સુધીમાં તેલની વૈશ્વિક માગમાં પેટ્રોકેમિકલ્સનો ભાગ એક તૃતિયાંશથી વધુ હશે. જ્યારે વર્ષ 2050 સુધીમાં કુલ માગના અડધાથી પણ વધુ હશે. પેટ્રોકેમિકલ્સ ફિડસ્ટોકની વૈશ્વિક માગ પ્રતિ દિન 1.2 કરોડ બૅરલ છે, જે વર્ષ 2017ના કુલ માગના 12 ટકા જેટલા છે. વર્ષ 2050 સુધીમાં માગ પ્રતિ દિન 1.8 કરોડ બૅરલ થવાની ધારણા છે. મોટા ભાગની માગ મિડલ ઈસ્ટ અને ચીનમાંથી થશે, કારણ કે અહીં પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ સ્થપાયા છે. એક્સોન મોબીલ અને રોયલ ડચ શેલ જેવી ઓઈલ કંપનીઓ આગામી દાયકાઓમાં નવા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. 
મિડલ ઈસ્ટમાં સાઉદી અરેબિયા અને કુવૈત જેવા મુખ્ય ઉત્પાદકો મોટા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે કેટલાક કેસમાં ક્રૂડ તેલને ગેસોલિન અને ડીઝલ જેવા ઓઈલ પ્રોડકટ્સમાં  ફેરવવાને બદલે તેઓ ક્રૂડ તેલને સીધું પ્લાસ્ટિકમાં ફેરવીને વધુ કમાણી કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer