કોપરના ભાવ $ 7000 પાર કરે તેવી સંભાવના

કોપરના ભાવ $ 7000 પાર કરે તેવી સંભાવના
ઇલેક્ટ્રિક વ્હીકલની માગ કોપરની માગમાં મોટો વધારો કરશે

ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 9 અૉકટો.
સપ્લાય વધવા લાગે તે પહેલા આગામી વર્ષોમાં કોપરના ભાવ 7000 ડૉલર પાર કરી જશે. વિશ્વભરની અંદાજે 200 કોપર ખાણ હાલમાં તેની સર્વોચ્ચ ઉત્પાદકતા પર પહોંચી ગઈ છે, આ ખાણોની લાઈફ 2035 પહેલા પૂરી થઇ જશે. બરાબર આ જ સમયે વૃદ્ધિ પામતી ઇલેક્ટ્રિક વ્હીકલની માગ, કોપરની માગમાં મોટો વધારો કરશે, આ જોતા લાંબાગાળાનો કોપર સિનારિયો તેજીનો બનવા લાગ્યો છે. આવા વાતાવરણમાં કોપર રિસોર્સીસ કંપનીઓ પણ કોપરના વધતા ભાવે, રોકાણકારોને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા આકર્ષશે. કોપર માર્કેટમાં પ્રમાણસર નવો પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધીમાં કોપર તેજીવાળાને ભાવ ઊંચે લઇ જવાની તક મળશે.
માગમાં વૃદ્ધિ થઇ રહી છે તે દરમિયાન ગોલ્ડમેન સાસનો નવી માઈન પ્રોજેક્ટનો અભ્યાસ અહેવાલ સૂચવે છે કે ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. જે આગામી વર્ષે અનુમાનિત પુરવઠાખાધ ઘટાડશે અને વ્યાપક રીતે સમતોલ ગણાતી વર્તમાન પુરવઠા સ્થિતિ, 2020-22 સુધીમાં પાછી સરપ્લસ પુરાંતમાં ફેરવાઈ જશે. આમ 2023 પછી જ બજારમાં તીવ્ર પુરવઠાખાધ જોવા મળશે. ગત સપ્તાહના અમેરિકન રોજગારીમાં મોટાપાયે વૃદ્ધિના આંકડાને પગલે ટ્રેઝરી બોન્ડમાં નીકળેલી મજબૂત માગે ડૉલરમાં પણ મક્કમતા જોવા મળી હતી. આને પગલે સપ્તાહને અંતે એલએમઈ કોપર ઘટીને 6238 ડૉલર મુકાઈ હતી. 
ડ્યુશ બૅન્કના એનાલિસ્ટ કહે છે કે કોપરની તેજી, વર્તમાન ભાવ (6250 ડૉલર)થી 10 ટકા વધવી જોઈતી હતી તે પાછળ રહી ગઈ છે પણ હવે તે ડિસેમ્બરના અંતે પહેલા વધવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે જો કરન્સી બજારના અનુમાનોને એડજસ્ટ કરવામાં આવે તો આ તેજીમાં 16નો ઉછાળો પણ શક્ય છે. ખાણ કંપની બીએચપી બિલિટને કહ્યું કે ચીનના વિદેશી વિસ્તરણ પ્રોગ્રામ હેઠળ કોપર માગ વાર્ષિક 7 ટકા એટલે કે અંદાજે 16 લાખ ટન વધવાની સંભાવના છે. ચીનના વિદેશી બાંધકામ પ્રોજેક્ટ નેટવર્ક, બેલ્ટ ઍન્ડ રોડ ઇનિસીયેટીવ (બીઆરઆઈ)નું પૃથકરણ કર્યા પછી બીએચપીએ કહ્યું હતું કે આવા પ્રોજેક્ટની અસર કૉમોડિટીની માગ પર પડશે.         
બીએચપી કહે છે કે ચીનની વિદેશી વિસ્તરણ યોજનામાં યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા અને ઓસેનિયા જેવા દેશનાં 115 જેટલા પાર્ટનરોને આવરી લેવામાં આવ્યા છે. ગતવર્ષના સપ્ટેમ્બર સુધી આવા પાર્ટનરની સંખ્યા 68 હતી. તાજા એનાલિસીસ પ્રમાણે ચીનની બીઆઈઆઈ યોજના હેઠળ 2023 સુધીમાં જગતના 33 ટકા દેશને આવરી લેવામાં આવશે અને તેની પાછળ 1.3 ટ્રિલિયન ડૉલર ખર્ચવામાં આવશે.
દરમિયાન, ચીનમાં કોપર આયાત આર્બિટ્રેજ દરો આ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા પછી ગયા સપ્તાહે (ચીનમાં) કોપરનો પુરવઠા પ્રવાહ ઘટી જતા એશિયન વેરહાઉસમાં એલએમઈ ઓન વોરંટ સ્ટોક નવા તળિયે પહોંચ્યો હતો.  કોપર કેથોડની ઉપલબ્ધી ઘટી જવાથી તાઈવાન અને કોરિયા જેવા દેશમાં હાજર પ્રીમિયમ પણ વધ્યા હતા. જર્મનીની ઔરુબીસ કંપની યુરોપના ગ્રાહકોને 2019ના કોન્ટ્રેકટ 96 ડૉલરના પ્રીમિયમથી અૉફર કરતી હતી, જે ચાર વર્ષના સૌથી ઊંચા હતા. કોડાલ્કો અમેરિકાને 15 ટકા કોપર કેથોડ વેચવાની યોજના બનાવી રહી છે, ત્યારે તે તેના ચાઈનીસ ગ્રાહકોને વર્ષાનું વર્ષ 17 ટકા ઊંચા 88 ડોલર પ્રીમિયમ અૉફર કરી રહી હતી. 
આઠમી જૂને કોપરના ભાવ 2018ની નવી ઊંચાઈએ 7347 બોલાયા હતા, તે 21 ટકા ઘટીને અૉગસ્ટની મધ્યે બોટમ 5774 ડૉલરે પહોંચ્યા હતા, ત્યાંથી હવે 9 ટકા વધ્યા છે. કોપરના ભાવ વધવાનું અન્ય એક કારણ ટેક્નિકલ લેવલો તૂટી ગયા તે પણ છે. તેણે ડબલ બોટમ કન્ફર્મ કરતો કર્વ બેઝ પણ બનાવ્યો છે. સોસાયટે જનરલના એનાલિસ્ટ કહે છે કે કોપરે જુલાઈ ઊંચાઈ 6378 ડૉલર પુન:ચાતરી લીધી છે અને હવે ભાવ 6507થી 6550 ડૉલર સુધી વધવા અગ્રેસર થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer