ઉત્તર ગુજરાતમાંથી હજારો મજૂરોની સામૂહિક હિજરત

ઉત્તર ગુજરાતમાંથી હજારો મજૂરોની સામૂહિક હિજરત
સૌરાષ્ટ્ર-કચ્છમાં શાંતિ
અૉટોમોબાઈલ, બાંધકામ, ફાર્મા સહિત અનેક ઉદ્યોગોમાં મજૂરોની કારમી ખેંચ 
અમારા પ્રતિનિધિ તરફથી         
અમદાવાદ, તા. 9 અૉક્ટો.
સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં 14 મહિનાની બાળકી સાથે બળાત્કાર થયો. જઘન્ય અપરાધ બિહારના એક મજૂરે કર્યો હોવાનું ખૂલતા રાજ્યભરમાં બિન ગુજરાતી મજૂરો ઉપર આભ તૂટી પડ્યું છે. ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા મજૂરો ઉપર ધાકધમકી અને જીવનું જોખમ સર્જાતા બે-ત્રણ દિવસમાં જ લગભગ 30 હજાર જેટલા મજૂરો વતનભણી નીકળી ગયા છે. ગુજરાતના ઉદ્યોગ-ધંધા અને કારખાનાઓમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરો-લોકો ખૂબ જ મોટાંપાયે કામકાજ કરે છે એટલે ઔદ્યોગિક વાતાવરણ હડોળાઇ ગયું છે. અલબત્ત  સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરતમાં કોઇ અનિચ્છનીય બનાવો બન્યા નથી અને હિજરત પણ થઈ રહી નથી. એ કારણે ઉદ્યોગની સ્થિતિ સારી છે.
ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ)એ પરિસ્થિતિ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી મજૂરોના સંરક્ષણની માગણી કરી છે.
મજૂરોની હિજરત થવાને લીધે અૉટોમોબાઇલ, રોડ, બાંધકામ, રોલિંગ, ફાર્મા, ટેક્સ્ટાઇલ, સિમેન્ટ અને સ્ટીલ ઉદ્યોગમાં મજૂરોની તંગી વર્તાવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં આશરે સાડા ત્રણ લાખ જેટલા મજૂરો પરપ્રાંતના છે. મહેસાણા જીઆઇડીસી, સાણંદ, વિઠ્ઠલાપુર તથા સાબરકાંઠામાં ઉદ્યોગોને અશર થઇ છે. મધ્ય ગુજરાતમાં પાંચેક લાખ લોકો છે. વાઘોડિયા, પોર, મંજુસર, તથા સાવલી જેવી જીઆઇડીસીઓ છે. જોકે ત્યાં ખાસ અસર નથી. 
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની કલંકિત ઘટના બની હોય તેના બહુ ઘેરા પડઘા પડ્યા છે. રાજકીય રીતે પણ આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બનાવી દેવાયો છે. નવરાત્રિનો તહેવાર શરૂ થઇ ગયો છે અને દિવાળીને માત્ર 20 દિવસ બાકી છે. તે પછી રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આવે છે ત્યારે આ પ્રકારની ઘટના ગુજરાત ઉપર એક કાળી ટીલી સમાન છે. મોટાં તહેવારો ટાંકણે મજૂરોની વતનભણી હિજરતને લીધે તહેવારોમાં ઉત્પાદન ઉપર ઘેરી અસર થાય તેમ છે. વળી એક વખત ગયેલા મજૂરો હવે ત્રણેક મહિના સુધી તો પાછા આવે તેમ નથી એટલે ઉદ્યોગો ઉપર ઘેરી અસર આવનારા સમયમાં વર્તાય તેવી શક્યતા છે. 
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામાસિંહ ઠાકુર કહે છે કે `જે બાળકી ભોગ બની છે તેના ગુનેગારને સજા આપવા માટે કટિબદ્ધ છીએ પરંતુ એક વ્યક્તિના અપરાધની સજા અન્ય હજારો લોકોને કેમ આપી શકાય?  
સાણંદ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિયેશનના પ્રમુખ અજિત શાહ કહે છે કે `એકલા સાણંદમાં જ ચાર હજાર મજૂરો જે યુપી અને બિહારથી આવે છે તે ગુજરાત છોડીને જતા રહ્યા છે. આના કારણે ઉદ્યોગમાં ઉત્પાદન પણ અટકી ગયું છે. જોકે, હમણાં બે દિવસથી પોલીસ પેટ્રાલિંગ થતું હોવાથી કોઈ ભય નથી પરંતુ મજૂરો ફેક્ટરી સુધી આવતા હજુ ડરે છે.' 
ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સના પ્રમુખ જૈમિન વસા કહે છે કે આખા ગુજરાતમાં આની અસર થઇ છે અને જો પલાયનવૃત્તિ અટકે નહિ તો દિવાળીનું ઉત્પાદન તો ઘટે પરંતુ જે વાઇબ્રન્ટ સમિટ આવે છે તેના ઉપર પણ નકારાત્મક અસર થાય.  સાબરકાંઠા, મહેસાણા,  અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, પાલનપુર જેવા સ્થળોએ પરપ્રાંતીય મજરો ઉપર હુમલા થયા છે. ત્યાં ફફડાટ વધારે છે. 
ખાસ કરીને ગુજરાતની તમામ પ્રકારની ફેક્ટરીઓમાં બિહારી અને ઉત્તરપ્રદેશના મજૂરોનું જોર છે અને જે લેબર વર્ક છે તે આ પ્રાંતના લોકો જ કરે છે. જો કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અનેક વખત આશ્વાસન આપીને હુમલા નહીં થાય તેવું કહ્યું છે પણ ડરનો માહોલ હળવો થતો નથી. કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેનાએ ઉપર પણ હુમલા કરવાના આરોપ છે. અલબત્ત જવાબદાર જે કોઇપણ હોય ગુજરાત માટે આ ઘટના કલંકરૂપ તો છે જ. 
ગુજરાત પોલીસે અત્યાર સુધી કુલ 360 ગુના નોંધીને 54 થી વધુ લોકોની ધરપકડ કરી છે. કુલ 17 એસઆરપી ટુકડીને ફાળવી દેવામાં આવી છે અને જે ફેક્ટરીમાં પરપ્રાંતના મજૂરો કામ કરે છે ત્યાં પોલીસ અધિકારી રૂબરૂ જઈને તેમને વિશ્વાસ આપી રહ્યા છે.
ગુજરાતમાંથી પરપ્રાંતીયો જે હિજરત કરી રહ્યા છે તેની વિપરીત અસર અમદાવાદના ઉદ્યોગ પર વધુ પડી છે જ્યારે સુરતમાં તેની ખાસ અસર પડી નથી.
અમદાવાદમાં કારીગરોની ખેંચ પડી ગઈ છે. આથી કાપડના જે પ્રોસેસ હાઉસો ત્રણ પાળીમાં ચાલતા હતા તે હવે બે પાળીમાં ચાલે છે અને જે કાપડના પ્રોસેસ હાઉસો બે પાળીમાં ચાલતા હતા તે હવે એક પાળીમાં ચાલે છે. આથી કાપડનું ઉત્પાદન ઘટવા માંડયું છે.
સુરતમાં પરપ્રાંતીયોના હિજરતની કોઈ અસર નથી. આમ છતાં યાર્નના અતિ ઊંચા ભાવ અને ઘરાકીના અભાવે ત્યાં બંધ આવી રહેલ છે. દોઢ લાખ લૂમો ધરાવતાં સાયણ વિસ્તારમાં તા. 21 અૉક્ટોબરથી તા. 15 નવેમ્બર સુધી બંધની જાહેરાત થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ આ રીતે દિવાળી વેકેશન લંબાવાય એવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer