મગફળી-કપાસના ભાવમાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 અૉકટો.
સૌરાષ્ટ્રમાં મગફળીની આવક શરૂ થઇ ચૂકી છે. જોકે, 50-60 હજાર ગુણી કરતા વધતી નથી. ઓછાં પાકને લીધે મગફળીનો ભાવ પણ પ્રતિમણ રૂા. 800-120 સુધી ઊંચો છે. હજુ સરકારે ટેકાના ભાવથી ખરીદીની જાહેરાત કરી નથી. કદાચ દિવાળી પછી સરકાર ખરીદીમાં આવશે. મગફળીનો ટેકાનો ભાવ મણે રૂા. 978 છે.
કપાસનું વાવેતર વધવાને લીધે પાક અંગે આશાવાદ હતો પરંતુ રૂના પાકમાં ય ગાબડું નીકળે તેવા અંદાજો આવી રહ્યા છે. ગુજરાતમાં 27.12 લાખ હેક્ટરમાં વાવેતર હતું. પાછલા વર્ષના 26.41 લાખ હેક્ટર કરતા વિસ્તાર વધવાથી આરંભે 90-95 લાખ ગાંસડી (170 કિલો)ના અંદાજો વહેતા થયેલા. પરંતુ લહેરાતા ખેતરો પાણીની અછતથી સૂકાવા લાગતા અંદાજોનું વરવું ચિત્ર સામે આવી રહ્યું છે.
ગુજરાતમાં હવે 75થી 80 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાની સંભાવના છે. જયદીપ કોટનના અરવિંદભાઇ પટેલ કહે છે, વરસાદની ખેંચને લીધે કપાસના ઉતારા ઘટયા છે. ફરધરનું ઉત્પાદન પણ નીચે આવવાની શક્યતા છે એટલે અંદાજ નીચે ગયો છે. ગયા વર્ષમાં ગુજરાતમાં 119 લાખ ગાંસડી બાંધવામાં આવી હોવાનો અંદાજ છે. ખેડૂતોએ વાવેતર મન મૂકીને કર્યું હતું પણ કુદરતે દગો દીધો છે. 
સૌરાષ્ટ્રમાં કપાસની આવક એક લાખ મણ સુધી પહોંચી ગઇ છે. જોકે, કપાસનો ભાવ નીકળતી સિઝને જ ઊંચો બોલાય રહ્યો છે. કપાસનો ટેકાનો ભાવ મણે રૂા. 1070 છે તેના કરતા તમામ માર્કેટ યાર્ડોમાં ઊંચા ભાવથી કપાસ વેંચાય છે. કોટન કોર્પોરેશન અૉફ ઇન્ડિયાને કપાસની ખરીદીમાં કદાચ આવવું પણ નહીં પડે. કપાસ સરેરાશ રૂા. 1160-1250 સુધીના ભાવથી સૌરાષ્ટ્રમાં વેંચાય છે. આગળ જતા વધુ તેજી થવાની પણ શક્યતા નકારાતી નથી.
રૂ માં ખૂલતી સિઝને તેજી
ટેકાના ઊંચા ભાવને લીધે કપાસમાં લાંબાગાળે તેજી લાગતી હતી પણ તેજી ખૂલતી સિઝને જ આવી ગઇ છે. રૂની ગાંસડીનો ભાવ છેલ્લાં ચાર દિવસમાં રૂા. 2500-3000 વધીને રૂા. 47000ના સ્તરને સ્પર્શી ગયો છે. પાછલી આખી સિઝનમાં આવો ભાવ થયો ન હતો ત્યારે આરંભ તેજી સાથે થયો છે. અરવિંદભાઇ તેજી અંગે કહે છે, અમેરિકામાં માઇકલ વાવાઝોડાંથી પાકમાં બગાડ થયો છે તેની અસરે ન્યૂ યોર્ક વાયદો ઊંચકાયો છે. ઘરેલુ બજારમાં મિલો પાસે જૂના માલ ખલાસ થઇ ગયા છે, એટલે લેવાલી વદી છે. જોકે, હાલ આવકના દોરને લીધે તેજી અટકે તેમ છે.
ફોરવર્ડ સોદા કરનારા ચિંતામાં
રૂનું ઉત્પાદન વધવાની ધારણા વચ્ચે ફોરવર્ડમાં અર્થાત નવેમ્બર-ડિસેમ્બરમાં ડિલિવરીની શરતે આશરે 15થી 17 લાખ ગાંસડીના નિકાસ સોદા થઇ ગયા હતા. સોદા મોટેભાગે રૂા. 46500-47000ના ભાવથી કરવામાં આવ્યા હતા. હવે બજાર આ સ્તરે પહોંચી જતા સોદા કરનારો વર્ગ ચિંતામાં મૂકાઇ ગયો છે એમ એક બ્રોકરે કહ્યું હતું. રૂમાં લાવ લાવ ખરીદી છે એટલે નિકાસકારોને પણ ઊંચા ભાવમાં ડિસ્પેરીટીમાં ખરીદી કરવી પડી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer