રાજ્યનાં 50 પેટ્રોલ પંપ ઉપર રૂા. 33 કરોડની વેટ ચોરી

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 16 અૉકટો.
ગુજરાત જીએસટી વિભાગે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આવેલા 50 પેટ્રોલ પંપ ઉપર કુલ 33.65 કરોડની વેટ ચોરી ઝડપી પાડી છે. અમુક પેટ્રોલ પંપ માલિકો જૂના થઇ ગયેલા વેટ નંબરનો ઉપયોગ કરીને ચોરી આચરતા હતા.
જીએસટી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે કુલ 50 પેટ્રોલ પંપ ઉપર રાજ્યવ્યાપી સ્થળ તપાસમાં ભરવાપાત્ર વેટ ભરવામાં ન આવતા હોવાની શક્યતાને પગલે તપાસ કરી હતી. તપાસમાં ધ્યાને આવ્યું કે કેટલાક નોંધણી નંબર રદ થયેલા હોવા છતાં વેપારીઓ ધંધો કરતા હતા. જુદી જુદી કંપનીઓના અધિકારીઓ પાસેથી પેટ્રોલ પંપને આપવામાં આવતા જથ્થાની આંકડા મેળવ્યા ત્યારે આ ચોરી સામે આવી છે.
કુલ 50 પેટ્રોલ પંપમાંથી 15 પેટ્રોલ પંપના નોંધણી નંબર રદ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. પ્રાથમિક ચકાસણીમાં કુલ 33.65 કરોડના વેટની વસુલાત કરવાની થાય છે. પેટ્રોલ પંપના માલિકોના બૅન્ક ખાતાઓ નિયમોનુસાર ટાંચમાં લેવાની પણ અહીં કાર્યવાહી કરવામાં આવી છે. જો વેપારીઓ વેટ નહીં ચૂકવે તો આનાથી પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. રાજ્યનાં અમદાવાદ, વડોદરા, પોરબંદર, ધોળકા, ભાવનગર, અમરેલી, ધોલેરા, વિરમગામ, ખેડા, રાજકોટ, મોરબી, વાંકાનેર તથા ગાંધીધામ સહિતના કુલ 50 પેટ્રોલ પંપ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer