નાણાકીય સાધનો માટે એક સમાન સ્ટેમ્પ ડયૂટી

નવી દિલ્હી, તા.16 અૉક્ટો.
સરળ વેપાર કરવાના ભાગરૂપ નાણાકીય સાધનો જેવા કે ડિબેન્ચર્સ અને શૅર્સના ટ્રાન્સફર માટે એકસમાન સ્ટેમ્પ ડયૂટીનો દર લાગું પડશે. ગયા વર્ષે દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નો અમલ થયો હતો, જેથી વિવિધ કર અમૂક માળખામાં જ સમાવી શકાય. 
હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સો વર્ષ જૂના સ્ટેમ્પ ડયૂટી કાયદામાં ફેરફાર કરશે, એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું. પ્રસ્તાવ તૈયાર છે. રાજ્યો સાથે વાતચિત કરવામાં આવી હતી અને રાજ્યોએ આ પ્રસ્તાવમાં પોતાની સંમતિ દર્શાવી હતી. સંસદના શીયાળુ સત્રમાં આ ફેરફાર રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવથી રાજ્યનું મહેસૂલ સુરક્ષિત રહેશે, એમ પણ આ અધિકારીએ કહ્યું હતું. 
જમીનની ખરીદી કે વેચાણ જેવા વ્યવહારોમાં સ્ટેમ્પ ડયૂટી લાગું પડે છે. સંસદ પાસે ઍક્સચેન્જ બિલ, ચેક, પ્રોમીસરી નોટ્સ, લેડિંગ બિલ, લેટર અૉફ ક્રેડિટ, ઈન્સ્યોરન્સ પૉલિસી, શૅર ટ્રાન્સફર, ડિબેન્ચર્સ અને પ્રોક્સિના ટ્રાન્સફરમાં સ્ટેમ્પ ડયૂટી નિયત કરવાનો અધિકાર છે. 
વિવિધ વ્યાજદર હોવાથી મધ્યસ્થીઓ વાસ્તવિક કરતાં ઓછા દર અૉફર કરીને આર્બિટ્રેજ કરે છે. બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ અગાઉ કહ્યું હતું કે રાજ્યો સ્ટેમ્પ ડયૂટીને રદ કરે અથવા એક સમાન કરે. તેમ જ ઈલેકટ્રોનિક ધોરણે કરે જેથી ટ્રાન્ઝેક્શન ખર્ચમાં પણ ઘટાડો થાય. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer