મંડીમાં ખરીફ પાકના ભાવ ટેકા કરતાં ઘણા નીચા

નવા પાકમાં ભેજ હોવાથી સરકારી એજન્સીઓને કચવાટ
 
મુંબઈ, નવી દિલ્હી, 
તા. 16 અૉક્ટો.
વર્ષ 2018ના ખરીફ પાકની નવી આવક મંડીઓમાં હોવા છતાં ખેડૂતોને કેન્દ્ર સરકારની ટેકાના ભાવની યોજના - પીએમ-આશાનો લાભ મળતો નહીં હોવાના અહેવાલ છે. બજારના નિષ્ણાતો જણાવે છે કે નવ ઉનાળુ પાકના ભાવ પહેલીથી નવમી અૉક્ટોબર દરમિયાન લઘુતમ ટેકાના ભાવ કરતાં 11થી 55 ટકા નીચા હતા. 
કેન્દ્ર સરકારે કૃષિ ઉપજ માટે પ્રાઈસ ડેફિશિયન્સી સપોર્ટ સ્કીમ્સનું પેકેજ અમલમાં મૂક્યું છે. સરકારે જૂન, 2018થી જુલાઈ, 2019ના વાવેતર વર્ષ માટે નોન-નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એફએસએસએ) હેઠળની પેદાશોની ખરીદી માટે રૂા. 15,000 કરોડની વધારાની બજેટ ફાળવણી પણ કરી છે. ઉપરાંત, આ નાણાં વર્ષે નાફેડ દ્વારા ખરીદવામાં આવતાં કઠોળ અને તેલીબિયાં માટે સરકારી બાંયધરી પણ રૂા. 16,550 કરોડથી વધારીને રૂા. 45,450 કરોડ કરી છે. 
અગાઉ લગભગ 14 ખરીફ પાક માટે સરકારે લઘુતમ ટેકાના ભાવમાં ચારથી બાવન ટકા જેટલો વધારો કર્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ અનેક રાજ્યોએ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે મોટા ભાગના પાકમાં માન્ય કરતાં વધુ પ્રમાણમાં ભેજ હોવાથી લઘુતમ ટેકાના ભાવે ખરીદી શક્ય નથી. નાફેડ તેમ જ અન્ય એજન્સીઓ દરેક પાક માટે નક્કી કરાયેલી વાજબી અને સરેરાશ ગુણવત્તા હશે, તો જ ખરીદી હાથ ધરશે.
કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીએ જણાવ્યું હતું કે સરકાર આટલી મોટી સંખ્યામાં પેદાશોમાં માગ અને પુરવઠાનાં પરિબળોની અસર લાંબા સમય સુધી ટાળી નહીં શકે. એટલે, બજારભાવ, ટેકાના ભાવ કરતાં 30-40 ટકા નીચે હોય, તેમાં કંઈ નવાઈ નથી. જોકે, સરકારને આ હકીકત ઘણી મોંઘી પડશે, તેનાથી ભ્રષ્ટાચાર અને વેડફાટ પણ વધશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer