ગુજરાતમાં મગફળી - કપાસના પાકમાં મોટું ગાબડું પડશે

મગફળીનું ઉત્પાદન 50 ટકા ઘટીને 14 લાખ ટન નજીક
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.16 અૉકટો.
ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમા મગફળી અને કપાસના પાકમાં મોટું ગાબડું પડવાનું છે. ચોમાસાએ અંતિમ ચરણમાં દગો દેતા પાણીની તંગીને લઇને પિયતની સમસ્યા સર્જાઇ હતી. હવે પાણીની અછતથી મગફળીનો પાક પાછલા વર્ષથી 50 ટકા ઘટી જવાની ધારણા છે. રૂનું ઉત્પાદન પણ 25-30 ટકા જેટલું ઘટી શકે છે. નબળાં પાકની ધારણાથી મગફળી-કપાસમાં નીકળતી સિઝને તેજી છે.
મગફળીનું વાવેતર ગુજરાતમાં 16 લાખ હેક્ટરની તુલનાએ ઘટીને 14.67 લાખ હેક્ટર હતું. પાછલા વર્ષની મંદીને લીધે ખેડૂતોએ વાવણી ઘટાડી હતી. એવામાં પાણીની તકલીફ સર્જાવા લાગતા હવે ઉતારામાં મોટું ગાબડું પડશે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ ઍસોસિયેશન કે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન દ્વારા સત્તાવાર અંદાજો બહાર પાડવામાં આવ્યા નથી. છતાં ગયા વર્ષથી 50 ટકાનો ઘટાડો પાકમાં આવશે તેવું નિવેદન કરાયું છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન 20મી અૉક્ટોબરથી ગુજરાતમાં પાકનું સર્વેક્ષણ કરશે. સોમાની એજીએમ પણ આ જ દિવસે છે ત્યારે કદાચ 12-13 લાખ ટનનો અંદાજ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
ગયા વર્ષમાં મગફળીનું ઉત્પાદન 28થી 30 લાખ ટન થયું હતું. એ રીતે જો પચ્ચાસ ટકાનો ઘટાડો પાકમાં હોય તો માંડ 14-15 લાખ ટન મગફળી પાકે તેવું ચિત્ર સામે આવે છે. સરકારે એજન્સી નાફેડ પાસે પાંચેક લાખ ટન ગયા વર્ષની મગફળી પડી છે. એ ઉમેરતા 20 લાખ ટનનો પુરવઠો ચાલુ સિઝનમાં ઉપલબ્ધ રહેવાનો અંદાજ મૂકાય છે.
ડીએસએન એગ્રી બ્રોકર્સના નીરજભાઇ અઢિયા કહે છે, અમારા મતે મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં 14 લાખ ટનની આસપાસ જ રહેશે. કદાચ કોઇ ઊંચામાં ઊંચો અંદાજ મૂકે તો પણ 17 લાખ ટનનો આંક વળોટી શકે તેમ નથી. વીઘાદીઠ ઉતારો માંડ 10થી 12 મણનો મળે તેમ છે. એમણે ઉમેર્યું કે, ચોમાસાના વિલંબથી આરંભને લીધે વાવણી મોડી પડી હતી. પાણીની સમસ્યા તો હતી જ એવામાં ભાદરવાના આકરાં તાપ પડવાથી ઉતારાને ઘેરી અસર થઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer